વિદ્યાર્થિની ભણવાનું છોડી દેવાની તૈયારીમાં જ હતી, પણ રિષભ પંતે 40,000 રૂપિયાની ફી ભરી દીધી

બેંગલૂરુઃ ક્રિકેટના મેદાન પર દૃઢ સંકલ્પથી રમવા માટે જાણીતો રિષભ પંત (Rishabh Pant) જરૂરતમંદને મદદ કરવામાં પણ પાછળ નથી પડતો એનું ઉદાહરણ કર્ણાટક રાજ્યના એક ખૂણાના નાના ગામમાંથી મળ્યું છે, કારણકે એ ગામની એક વિદ્યાર્થિનીને પંતે ફર્સ્ટ-યર ડિગ્રીના ભણતર માટે જરૂરી 40,000 રૂપિયાની ફી ભરી દીધી હતી.
કર્ણાટકના વિજયપુરા જિલ્લાના બિલાગી તાલુકાના રબાકવી ગામની જ્યોતિ કાનાબુર (jyothi kanabur) નામની સ્ટુડન્ટે પીયુ કૉમર્સની પરીક્ષામાં 83 ટકા માર્ક્સ મેળવ્યા હતા, પરંતુ આર્થિક તંગીને કારણે તે આગળ ન ભણવા નક્કી કરી રહી હતી.
તેનો પરિવાર આ ગામમાં ખાવાની અમુક વાનગીઓનો એક સ્ટૉલ ચલાવે છે અને મહિને માંડ 15,000 રૂપિયા કમાય છે. તેમણે ગમે એમ કરીને ગામવાસીઓ પાસેથી પુત્રીના ભણતર માટે 40,000 રૂપિયા એકઠાં કર્યા હતા અને ડિગ્રી (degree college) કૉલેજમાં ભરી દીધા હતા.
આપણ વાંચો: રિષભ પંત વિશે મોટી અટકળઃ એશિયા કપમાં અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં…
જોકે આ પરિવારે સ્થાનિક કૉન્ટ્રૅક્ટર અને કાનાબુર પરિવારના હિતેચ્છુ અનિલ હુનાશિમટ્ટીનો પણ સંપર્ક કર્યો હતો અને ધારવાડમાં ક્રિકેટર કે. એલ. રાહુલે એક વિદ્યાર્થીને આર્થિક મદદ કરી હોવાનું તેમણે (પરિવારે) સાંભળ્યું હતું એટલે તેમણે અનિલને વિનંતી કરી હતી કે કોઈ ક્રિકેટર તેમની પુત્રીને મદદ કરી શકે?
અનિલ થોડા દિવસમાં કેટલાક સંપર્કોની મદદથી રિષભ પંત સાથે નજીકનો સંબંધ ધરાવતી એક વ્યક્તિને મળ્યા હતા અને જ્યોતિની આર્થિક મુશ્કેલીની વાત પંત સુધી પહોંચાડી હતી. પંતે જ્યોતિ માટેની 40,000 રૂપિયાની ફી તરત મોકલી આપી હતી.

આપણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે
જામખન્ડી ખાતેની ટીજીપી સાયન્સ કૉલેજ સાથે જ્યોતિ સંકળાયેલી છે અને એ કૉલેજને ઑડિટ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે જ્યોતિની ફી બે વખત ભરવામાં આવી છે. એમાંની પ્રથમ ફી ગામવાસીઓના ભંડોળની મદદથી અને બીજી ફી રિષભ પંત તરફથી આવી હતી.
કૉલેજના સંચાલકોએ 40,000 રૂપિયાની રકમ જ્યોતિને પાછી મોકલી આપી હતી. પંત તરફથી મોકલવામાં આવેલી ફી રાખ્યા બાદ કૉલેજે રાખી હતી. કૉલેજના વહીવટકારે મીડિયાને જણાવ્યું હતું કે ` અમે દર વર્ષે કુલ 70 જરૂરતમંદ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને મફત શિક્ષણ આપીએ જ છીએ.
જો જ્યોતિએ અમારો સીધો સંપર્ક કર્યો હોત તો અમે ત્યારે જ તેની ફી માફ કરી દીધી હોત.’ દરમ્યાન કૉલેજના સત્તાધીશોએ પંતને જ્યોતિની ફી ભરવા બદલ આભાર વ્યક્ત કરતો પત્ર મોકલ્યો હતો.