રિષભ પંતે `ધૂપ-છાંવ'માં વાળ કપાવ્યા એનો ફોટો મીડિયામાં શૅર કર્યો! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રિષભ પંતે `ધૂપ-છાંવ’માં વાળ કપાવ્યા એનો ફોટો મીડિયામાં શૅર કર્યો!

નવી દિલ્હીઃ વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત (Rishabh Pant) ટી-20ના એશિયા કપ માટેની ટીમમાં નથી એટલે હમણાં ફુરસદમાં છે અને અંગત જીવનની બાબતમાં કંઈ પણ નિર્ણય લઈ શકે છે, કારણકે તેની પાસે પુષ્કળ સમય છે અને એટલે જ તેણે તાજેતરમાં તેના નિવાસસ્થાનની નજીકના ગાર્ડનમાં ઝાડ નીચે વાળ કપાવ્યા (Hair Cut) હતા.

આ રીતે ધૂપ-છાંવ’માં વાળ કપાવવા પાછળનું કારણ એ હતું કે પંત બાળપણની યાદ (Childhood memories) તાજી કરવા માગતો હતો. પોતે હાઇ-ફાઇ સૅલોંમાં જવાને બદલે ધૂપ-છાંવ’માં વાળ કપાવી રહ્યો હોય એવો ફોટો ખુદ પંતે પછીથી સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

પંતનો આ ફોટો જોઈને મીડિયામાં તેના ફૉલોઅર્સની કમેન્ટનો વરસાદ વરસ્યો હતો જેમાં તેમણે આ સ્વીટ મૅમરીઝની યાદ અપાવવા બદલ તેને બિરદાવ્યો હતો. પંતે ફોટો શૅર કરવાની સાથે સ્ટોરીમાં લખ્યું, ` ભૂતકાળમાં હું ઝાડ નીચે વાળ કપાવવા બેસી જતો હતો એટલે મને થયું કે ફરી ટ્રાય કરું. મને તો તરત બાળપણની યાદ તાજી થઈ ગઈ. બીજા કેટલા લોકોએ આ રીતે ઝાડ નીચે બેસીને હેર કટ કરાવ્યા હશે, મને જરા જણાવજો.’

આ પણ વાંચો: રિષભ પંત વિશે મોટી અટકળઃ એશિયા કપમાં અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં…

પંત ત્રણ વર્ષ પહેલાં જ્યારે ગમખ્વાર કાર-અકસ્માતમાં ઈજા પામ્યો હતો ત્યારે તેને આસપાસ આવી ગયેલા કેટલાક અજાણ્યા યુવાનોએ તો તાબડતોબ હૉસ્પિટલ ભેગો કરીને તેનો જીવ બચાવ્યો જ હતો, પંતને સોશ્યલ મીડિયામાં અસંખ્ય ચાહકોની શુભેચ્છા પણ મળી હતી.

પંત લગભગ બે વર્ષ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ મેદાન પર પાછો આવ્યો હતો. 2024માં ભારતે જીતેલા ટી-20 વર્લ્ડ કપની ટીમમાં તે હતો અને તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં તેણે પગની ગંભીર ઈજા છતાં કટોકટીના સમયે બૅટિંગ કરવા મેદાન પર ઊતરીને ગજબની સંકલ્પશક્તિ બતાવી હતી.

ઉલ્લેખનીય છે કે પંતને 2025ની આઇપીએલ માટે લખનઊ સુપર જાયન્ટ્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ 27 કરોડ રૂપિયાનો વિક્રમજનક ભાવે ખરીદ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button