મુંબઇઃ IPL 2025ની હરાજીને લઈને ઘણા અપડેટ્સ સામે આવ્યા છે. અમુક હદ સુધી સ્પષ્ટ થઈ ગયું છે કે ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને જાળવી રાખવાના મૂડમાં છે. દરમિયાન દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત પણ આઈપીએલની હરાજીને લઈને ઉત્સુક છે. પંતે મધ્યરાત્રિએ એક પોસ્ટ શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા, જેમાં તેણે તેની IPL હરાજી અંગે ચાહકો પાસેથી જવાબ માંગ્યો હતો.
IPLની હરાજી પહેલા બીસીસીઆઈએ એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. IPL 2025 ટૂર્નામેન્ટ માટે નવેમ્બર-ડિસેમ્બરમાં મેગા હરાજી યોજાશે. હરાજી તમામ ખેલાડીઓના દિલના ધબકારા પણ વધી ગયા છે. ટીમ તેને રિટેન કરશે કે છોડી દેશે? કઇ ટીમ શું ભાવમાં તેને લેશે, એવા ઘણા સવાલોનો ઉચાટ તેમના મનમાં ચાલી રહ્યો હશે. જો કે, પંતે આ દરમિયાન મધ્યરાત્રિએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે લખ્યું કે જો હું હરાજીમાં જાઉં તો શું હું વેચાઇ શકીશ અને કેટલામાં? પંતે તેના ચાહકોને સવાલ પૂછ્યો છે. પંત હાલમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો છે. પરંતુ હરાજી પહેલા પંતે આ સવાલ પૂછીને હલચલ મચાવી દીધી છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પંત દિલ્હી કેપિટલ્સ છોડીને CSK ટીમ સાથે જોડાઈ શકે છે. એમએસ ધોની અને તેની વચ્ચેની નિકટતાને કારણે આવી અટકળો લગાવવામાં આવી રહી છે. દિલ્હી તેને જાળવી રાખે છે કે છોડી દે છે, તે સમય નક્કી કરશે, પરંતુ હાલમાં તો પંતે અકસ્માત બાદ ક્રિકેટ વિશ્વમાં શાનદાર વાપસી કરી છે. પંત દિલ્હીનો કેપ્ટન છે અને તે ખૂબ સારા ફોર્મમાં છે. તેથી, દિલ્હીની ટીમ પણ તેને જાળવી રાખવા માંગશે, પરંતુ એ પંત પર પણ નિર્ભર કરે છે કે તેણે દિલ્હીની ટીમમાં જ રહેવું કે પછી હરાજીમાં અન્ય ટીમ સાથે જવું. એવામાં રીટેન્શન લિસ્ટ બહાર આવે તે પહેલા જ પંતની આ પોસ્ટે ફેન્સમાં એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે.
IPLના નિયમાનુસાર એક ફ્રેન્ચાઇઝી પાંચ ખેલાડીઓને જાળવી શકશે, જે માટે તેણે 75 કરોડ રૂપિયા જેટલા ખર્ચ કરવા પડશે. પરંતુ પછી તેમની પાસે હરાજી માટે માત્ર 45 કરોડ રૂપિયા જ બચશે, જેમાં તેમને બાકીના 20 ખેલાડીઓ ખરીદવા પડશે. અનકેપ્ડ પ્લેયરને 4 કરોડ રૂપિયામાં રિટેન કરી શકાય છે. અનકેપ્ડ ખેલાડી કોઈપણ દેશનો હોઈ શકે છે.
રિષભ પંતની વાત પર પાછા આવીએ તો તે ડિસેમ્બર 2022માં કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. તે સમયે તે પોતાના ઘરે જઈ રહ્યો હતો. પંતનો કાર ડિવાઈડર સાથે અથડાઈ અને ભયંકર અકસ્માત થયો , જેના કારણે તેણે લગભગ 14 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડ્યું. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર સતત નજર રાખી રહી હતી. સફળ સારવાર બાદ, તે IPL 2024 દ્વારા ક્રિકેટના મેદાનમાં પરત ફરતો જોવા મળ્યો હતો. હાલમાં પંતની પણ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. તેણે બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં પણ શાનદાર સદી ફટકારી હતી