સ્પોર્ટસ

રિષભ પંતે ધોનીનો વિક્રમ તોડ્યો

લીડ્સઃ ભારતના વાઇસ-કૅપ્ટન અને વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંતે (Rishabh PANT) શનિવારે ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં સદી ફટકારીને મહેન્દ્રસિંહ ધોની (MSD)નો વિક્રમ તોડ્યો હતો. પંત ભારતીય વિકેટકીપરોમાં સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. પંતે સાતમી સેન્ચુરી (CENTURY) કરીને ધોનીનો છ સદીનો રેકૉર્ડ તોડ્યો હતો. પંતે સદી પૂરી કર્યા પછી સમરસૉલ્ટ (ફ્રન્ટ-ફ્લિપ)ની સ્ટાઇલમાં સેલિબે્રશન કર્યું હતું.

Credit: BCCI

પંતે બ્રિટિશ સ્પિનર શોએબ બશીરના બૉલમાં સિક્સર ફટકારીને સાતમી સેન્ચુરી પૂરી કરી હતી. તેણે 178 બૉલમાં છ સિક્સર અને બાર ફોરની મદદથી 134 રન કર્યા હતા. ધોનીએ 90 ટેસ્ટમાં છ સદી અને 33 અડધી સદીની મદદથી 4,876 રન કર્યા હતા. તેના આ રન ભારતના વિકેટકીપર-બૅટ્સમેનોમાં સૌથી વધુ છે. પંતે 44 ટેસ્ટમાં સાત સદી અને 15 હાફ સેન્ચુરી સાથે 3,000 રન પૂરા કર્યા હતા.

પંતે 2024ના સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે સદી નોંધાવી ત્યાર પછીની તેની આ પહેલી જ સેન્ચુરી છે.
ભારતીયોમાં સૌથી વધુ સેન્ચુરી કરનાર વિકેટકીપર્સમાં પંત અને ધોની પછી વૃદ્ધિમાન સાહા ત્રણ સદી સાથે ત્રીજા નંબરે છે. સમગ્ર ક્રિકેટ જગતના ટેસ્ટ વિકેટકીપર્સમાં ઍડમ ગિલક્રિસ્ટ 17 સદી સાથે મોખરે અને ઍન્ડી ફ્લાવર (12) બીજા ક્રમે છે.

આ પણ વાંચો…યશસ્વી-ગિલની સેન્ચુરી સાથે ટીમ ઇન્ડિયાનો નવા ટેસ્ટ યુગમાં પ્રવેશ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button