સ્પોર્ટસ

રિન્કુ સિંહે ટીમ ઇન્ડિયામાંથી બાદબાકી થયા પછી 240.00ના સ્ટ્રાઇક-રેટથી કરી ફટકાબાજી

ચંડીગઢઃ જ્યારે કોઈ ભારતીય ખેલાડીને કોઈ કારણસર ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળે તો તે તરત જ આઇપીએલમાં કે ડોમેસ્ટિક મૅચમાં જોરદાર પર્ફોર્મ કરીને પોતાને આંતરરાષ્ટ્રીય ટીમની બહાર કરી દેનારાઓને પરચો બતાવી દેતો હોય છે અને એવું અમુક અંશે રિન્કુ સિંહે ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કર્યું.

વાત એવી છે કે આગામી નવમી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે પાંચ મૅચની જે ટી-20 શ્રેણી રમાવાની છે એની ટીમમાં રિન્કુને સ્થાન નથી આપવામાં આવ્યું. બીજી રીતે કહીએ તો છેલ્લે તે ટીમ ઇન્ડિયાની જે ટી-20 ટીમમાં હતો એમાં તેને જાળવી નથી રાખવામાં આવ્યો. જોકે રિન્કુએ કંઈ જ ટિપ્પણી કરવાને બદલે સિલેક્ટર્સને બૅટથી જવાબ આપી દીધો છે.

રિન્કુએ 35 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચમાં 42.00ની સરેરાશ અને 161.00ના સ્ટ્રાઈક-રેટથી રન કર્યા છે છતાં તેની અવગણના થઈ છે.

આ પણ વાંચો: રિન્કુ સિંહે ઉત્તર પ્રદેશની આ સાંસદ સાથે કરી સગાઈ

ગુરુવારે ઈડનમાં ઉત્તર પ્રદેશે ટી-20 ફૉર્મેટની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચંડીગઢને જે મૅચમાં પરાજિત કર્યું એમાં રિન્કુ (24 રન, 10 બૉલ, બે સિક્સર, બે ફોર)એ 240.00ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા હતા. ભલે તેની ઇનિંગ્સ 10 બૉલ પૂરતી સીમિત હતી, પરંતુ માધવ કૌશિક (67 રન) અને સમીર રિઝવી (70 રન)ની આક્રમક ઇનિંગ્સ પછી રિન્કુ (Rinku)એ જ ટીમનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો હતો.

ભુવનેશ્વરની ત્રણ વિકેટ

ચંડીગઢના સંદીપ શર્માની ચાર વિકેટ છતાં ઉત્તર પ્રદેશે (Uttar pradesh) સાત વિકેટે 212 રન કર્યા હતા. ચંડીગઢની ટીમ જવાબમાં 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન કરી શકી હતી અને ઉત્તર પ્રદેશનો 40 રનથી વિજય થયો હતો. ચંડીગઢને પોણાબસો રન સુધી પણ ન પહોંચવા દેવામાં ઉત્તર પ્રદેશના ભુવનેશ્વર કુમાર (23 રનમાં ત્રણ વિકેટ) અને વિપરાજ નિગમ (34 રનમાં બે વિકેટ)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

એશિયા કપના ` પ્રથમ’ બૉલમાં ચોક્કો

ઉલ્લેખનીય છે કે 28મી સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપમાં રિન્કુને એક પણ મૅચ નહોતી રમવા મળી, પણ છેક પાકિસ્તાન સામેની ફાઇનલમાં ભારતે 20મી ઓવરમાં જીતવા 10 રન કરવાના હતા ત્યારે ચોથા બૉલમાં રિન્કુ સિંહ (જેને એ ટૂર્નામેન્ટમાં એ પહેલો બૉલ રમવા મળ્યો જેમાં તેણે) વિનિંગ-ફોર ફટકારીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button