અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારત ઑસ્ટ્રેલિયાને કેવી રીતે ધૂળ ચટાવે છે અને ભૂતકાળના અપમાનનો બદલો લે છે એ જોવા માટે કરોડો ભારતવાસીઓ બેતાબ છે.
ભૂતકાળના અપમાન વિશે તમને કદાચ યાદ ના હોય તો અમે તમને 2006ની એ ઘટનાની યાદ તાજી કરાવીએ, જ્યારે રિકી પોન્ટિંગે શરદ પવાર સાથે ખરાબ વર્તન કર્યું હતું. ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો વર્ષ 2006નો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ તત્કાલીન ICC પ્રમુખ શરદ પવાર સાથે ખરાબ વર્તન કરતા જોવા મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગે તત્કાલિન ICC પ્રમુખ શરદ પાસેથી ટ્રોફી છીનવી લીધી હતી. તેમણે શરદ પવારને પણ ત્યાંથી હટી જવાનું કહ્યું હતું. ઑસ્ટ્રેલિયન ક્રિકેટરોએ તેમને ધક્કા મારીને દૂર કર્યા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ચાહકોનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના ખરાબ વર્તનનો બદલો લેવાનો સમય આવી ગયો છે. વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ ચોક્કસપણે બદલો લેશે.
હાલના વર્લ્ડ કપમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. તેવી જ રીતે બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા લીગ મેચમાં સામસામે હતા. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. હવે બંને ટીમો ફાઇનલમાં સામસામે આવવા માટે તૈયાર છે.