સ્પોર્ટસ

ભારતની આ બીજી વર્લ્ડ ચૅમ્પિયન પ્લેયર બની ડેપ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ…

ફાઇનલના પ્રત્યેક રન બદલ મળ્યું એક લાખ રૂપિયાનું ઇનામ

કોલકાતાઃ ભારતની વર્લ્ડ ચૅમ્પિયન મહિલા ટીમની વિકેટકીપર-બૅટર રિચા ઘોષ (Richa Ghosh)નું શનિવારે અહીં ઈડન ગાર્ડન્સમાં પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જે દરમ્યાન તેને બાંગા ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી, તેને ડેપ્યૂટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DSP)ની પદવી આપવામાં આવી હતી તેમ જ 34 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ અપાયું હતું. દીપ્તિ શર્મા પણ ડીએસપીની પદવી ધરાવે છે. તેને એ સન્માન ઉત્તર પ્રદેશની સરકારે આ વર્ષના જાન્યુઆરીમાં આપ્યું હતું.

રિચા ઘોષે ગયા રવિવારે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં 24 બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોરની મદદથી 34 રન કર્યા હતા અને તેને એ 34 બહુમૂલ્ય રન બદલ (દરેક રનના એક લાખ રૂપિયાની ગણતરીએ) કુલ 34 લાખ રૂપિયાની ઇનામી રકમ અપાઈ હતી. લગભગ એક કલાક સુધી ચાલેલા સમારોહમાં રિચા ઘોષને સોનાનો ચેઇન પણ ભેટ અપાયો હતો.

બંગાળની પ્રથમ વર્લ્ડ કપ વિજેતા

રિચા ઘોષ પશ્ચિમ બંગાળની સૌપ્રથમ વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર છે. સૌરવ ગાંગુલી 2003માં ભારતની વન-ડે વર્લ્ડ કપ ટીમનો કૅપ્ટન હતો અને ભારત એ વિશ્વ કપની ફાઇનલમાં પહોંચીને ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.

રિચા એક દિવસ ભારતની કૅપ્ટન બનશેઃ ગાંગુલી

ક્રિકેટ ઍસોસિયેશન ઑફ બેંગાલના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સીલીગુરીમાં રહેતી બાવીસ વર્ષની રિચા ઘોષને વર્લ્ડ કપમાંના પર્ફોર્મન્સ બદલ બિરદાવતાં કહ્યું હતું કે ` રિચાએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. હું આશા રાખું છું કે તે આવો જ સારો પર્ફોર્મન્સ જાળવી રાખશે અને એક દિવસ ભારતની મહિલા ટીમની કૅપ્ટન બનશે.’ રિચાએ વર્લ્ડ કપમાં 133.52ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 235 રન કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button