રિચા અને ક્રાંતિનો કરિશ્મા એળે ગયો : ભારે રસાકસી વચ્ચે ભારત હાર્યું

વિશાખાપટનમઃ ભારતની મહિલા ટીમ ગુરુવારે વન-ડેના વર્લ્ડ કપમાં જબરદસ્ત રસાકસી વચ્ચે સાઉથ આફ્રિકાની બળુકી ટીમ સામે ત્રણ વિકેટે હારી ગઈ હતી.
આઠમા નંબરની બૅટર અને વિકેટકીપર રિચા ઘોષ (94 રન, 77 બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર) તથા નવમા ક્રમની સ્નેહ રાણા (24 બૉલમાં 33 રન) વચ્ચેની 88 રનની વિક્રમી ભાગીદારીની મદદથી ભારતે 251 રન કર્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમે 252 રનનો લક્ષ્યાંક સાત બૉલ બાકી રાખીને અને સાત વિકેટના ભોગે મેળવી લીધો હતો. નેડિન ડિ ક્લાર્કે અણનમ 84 રન અને કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટે 70 રન કર્યા હતા. ક્લૉ ટ્રાયૉને 49 રનનું યોગદાન આપ્યું હતું. ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી હતી.
They have been privileged to watch Richa Ghosh Show tonight pic.twitter.com/vYCBmCb8ke
— Sudhir Badola (@SudhirBadola13) October 9, 2025
ભારતે 252 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ સાઉથ આફ્રિકાએ માત્ર 18 રનની અંદર બે વિકેટ ગુમાવી દીધી હતી. ખાસ કરીને પાછલી મૅચની સેન્ચુરિયન ઓપનર તૅઝમિન બ્રિટ્સનો રાઇટ-આર્મ પેસ બોલર ક્રાંતિ ગૌડે પોતાના જ બૉલમાં ડાબા હાથે અફલાતૂન કૅચ ઝીલ્યો હતો. ક્રાંતિએ પછીથી કૅપ્ટન-ઓપનર લૉરા વૉલ્વાર્ટ (70 રન)ની બહુમૂલ્ય વિકેટ પણ લીધી હતી.
ગુરુવારે બપોરે વરસાદના વિઘ્ન બાદ શરૂ થયેલી મૅચમાં ઓપનર પ્રતીકા રાવલ (37 રન) તથા સ્મૃતિ મંધાના (23 રન) વચ્ચેની પંચાવન રનની ભાગીદારી બાદ ભારતીય ટીમ ઘણી વાર સુધી મુશ્કેલીના વમળમાં ફસાયેલી હતી, પરંતુ રિચા ઘોષ તારણહાર બની હતી. જોકે તેની એ લડત છેવટે પાણીમાં ગઈ હતી.
એક તબક્કે ભારતે માત્ર 102 રનમાં છ વિકેટ ગુમાવ્યા બાદ જોરદાર કમબૅક કર્યું હતું. રિચા તેમ જ અમનજોત કૌર (44 બૉલમાં 13 રન) અને સ્નેહ રાણાએ ભાગીદારીઓ કરીને ભારતની આબરૂ સાચવી લીધી હતી. રિચા માત્ર છ રન માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગઈ હતી, પરંતુ તેણે બન્ને ટેઇલ-એન્ડર બૅટર સાથે મળીને છ બોલરના આક્રમણ વચ્ચે ભારતને મોટી મુસીબતમાંથી બચાવી લીધું હતું. જોકે છેવટે સાઉથ આફ્રિકાની ટીમ જીત હાંસલ કરીને જ રહી.
આપણ વાંચો : મહિલા વર્લ્ડ કપમાં જય શ્રી રામ : સાઉથ આફ્રિકાની બૅટરે સેન્ચુરી કર્યા પછી તીર છોડ્યું’