એક બીમારીને લીધે મારો જીવ ગયો હોતઃ તિલક વર્મા…

હૈદરાબાદઃ ટીમ ઇન્ડિયાના તથા આઇપીએલના લોકપ્રિય બૅટ્સમૅન અને તાજેતરમાં એશિયા કપમાં પાકિસ્તાન સામેની ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 69 રન કરનાર તિલક વર્મા (Tilak verma)એ એક ચોંકાવનારી વાત શૅર કરી છે. તેણે કહ્યું છે કે 2022ની આઇપીએલ બાદ તે રબડૉમાયૉલિસિસ નામની ખતરનાક બીમારીથી પીડાતો અને જો ત્યારે તેને સમયસર સારવાર ન મળી હોત તો તેનો જીવ ગયો હોત.
જાણીતા ઍન્કર ગૌરવ કપૂર સાથેની એક ચર્ચા દરમ્યાન તિલકે કહ્યું, ` 2022માં બાંગ્લાદેશ-એ સામેની સિરીઝમાં મારી તબિયત બગડી હતી. મેં સેન્ચુરી માટે ખૂબ જહેમત ઉઠાવી હતી, પોતાની પાસે ખૂબ પરિશ્રમ કરાવ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મારી આંગળીઓ જરાય હલતી નહોતી, શિથિલ થઈ ગઈ હતી. આખુ શરીર પથ્થર જેવું થઈ રહ્યું હતું. હું રિટાયર હર્ટ થયો હતો. મારા ગ્લવ્ઝ કાપવા પડ્યા કારણકે મારી આંગળીઓ હલતી જ નહોતી.’
તિલકે એવું પણ જણાવ્યું કે ` હું ત્યારે મુંબઈ ઇન્ડિયન્સમાં હતો. મને આકાશ અંબાણીનો ફોન આવ્યો હતો. તેમણે મારી તકલીફ વિશેની જાણ બીસીસીઆઇને કરી હતી. મને બધાની ખૂબ મદદ મળી હતી. જય શાહ સરનો આભાર. હૉસ્પિટલમાં મને ડૉક્ટરે કહ્યું કે જો મેં થોડું પણ મોડું કર્યું હોત તો ભયંકર પરિણામ આવ્યું હોત.’
રબડૉમાયૉલિસિસ નામની બીમારીમાં માંસપેશીઓ તૂટવા લાગે છે. આ ભયાનક બીમારી વધુ પડતી કસરત કરવાથી, અમુક પ્રકારની ઈજા થવાથી, અમુક પ્રકારની દવાના ઇન્ફેક્શનને લીધે થાય છે.



