ભારતની ક્લીન-સ્વીપ પહેલાં રેણુકાએ કૅરિબિયન કૅપ્ટન હૅલીને ગજબ રીતે કરી ક્લીન બોલ્ડ!
વડોદરાઃ અહીં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે રમાઈ જે જીતીને ભારતે શ્રેણીમાં 3-0થી વાઇટ-વૉશ કર્યો એ પહેલાં આ રોમાંચક મૅચની શરૂઆતમાં ભારતની ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે કૅરિબિયન ટીમ પર આતંક મચાવ્યો હતો. એમાં પણ કૅપ્ટન-ઓપનર હૅલી મૅથ્યૂઝ (0)ને તેણે જે રીતે ક્લીન બોલ્ડ કરી એ બદલ રેણુકાના વખાણ કરીએ એટલા ઓછા છે. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રેણુકાએ વેસ્ટ ઇન્ડિઝની ટીમને શરૂઆતમાં જ મોટી મુસીબતમાં મૂકી દીધી હતી. માત્ર નવ રનની અંદર પહેલી ત્રણેય વિકેટ રેણુકાએ ઝડપી હતી. ટૉસ જીતીને કૅરિબિયન ટીમે બૅટિંગ પસંદ કરી અને એમાં પાંચ જ ઓવરની અંદર નવ રનમાં ત્રણ વિકેટ ગુમાવવી પડે તો કઈ ટીમને બૅટિંગ પસંદ કર્યાનો અફસોસ ન થાય!
રેણુકાએ કૅરિબિયન ટીમને શરૂઆતમાં જ બૅકફૂટ પર ધકેલી દીધી હતી.
હૅલી મૅથ્યૂઝ ઇનિંગ્સનો હજી બીજો જ બૉલ રમી રહી હતી. સાથી-ઓપનર કિઆના જોસેફ મૅચના પહેલા જ બૉલમાં રેણુકાને વિકેટ આપી બેઠી હતી એટલે હૅલી ખૂબ ટેન્શનમાં તો હતી જ. બીજું, આ મૅચ જીતીને તેમણે વાઇટ-વૉશથી બચવાનું હતું. જોકે આ સંઘર્ષભર્યા પ્રારંભિક તબક્કામાં હૅલીને રેણુકાએ જાળમાં બરાબર ફસાવી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરે વડોદરાના મેદાનની પિચ ચકાસ્યા બાદ સૌથી પહેલી ઓવર રેણુકાને આપવાનું નક્કી કર્યું હતું અને રેણુકાએ તેને જરાય નિરાશ નહોતી કરી.
રેણુકાએ મૅચની એ સૌપ્રથમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. પ્રથમ બૉલમાં કિઆનાને વિકેટકીપર રિચા ઘોષના હાથમાં કૅચઆઉટ કરાવ્યા બાદ રેણુકાએ ઓવરના છેલ્લા બૉલમાં પાછલી મૅચની સેન્ચુરિયન (106) હૅલીને નિશાન બનાવી હતી. રેણુકાએ તેને જે રીતે ક્લીન બોલ્ડ કરી એનો વિડિયો વાયરલ થયો છે. રેણુકાએ ઑફ સ્ટમ્પની બહાર બૉલ ફેંક્યો હતો. એ બૉલ પિચ પર ટપ પડ્યા બાદ એટલી ઝડપથી અંદર એવી કે હૅલી સાવ મૂંઝાઈ જ ગઈ હતી. પરિણામે, તે ક્લીન બોલ્ડ થતાં પૅવિલિયનમાં પાછી ગઈ હતી.
બાવીસમી ડિસેમ્બરે વડોદરામાં શ્રેણીની પ્રથમ વન-ડેમાં પણ હૅલીને રેણુકાએ ઝીરો પર પૅવિલિયન ભેગી કરી હતી. ત્યારે રેણુકાના બૉલમાં તે વિકેટકીપર રિચા ઘોષને કૅચ આપી બેઠી હતી. ફરી શુક્રવારની છેલ્લી વન-ડેની વાત પર આવીએ તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 162 રનમાં આઉટ થઈ ગઈ હતી.
Also read: કોહલીને ટીનેજ ઓપનર કૉન્સ્ટેસ સાથેની ટક્કર કેટલા રૂપિયામાં પડી જાણો છો?
રેણુકાએ 29 રનમાં ચાર વિકેટ લીધી તો સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ તેનાથી પણ ચડિયાતું પર્ફોર્મ કર્યું હતું. દીપ્તિએ 31 રનમાં છ વિકેટ લીધી હતી. ટૂંકમાં, આ બે બોલરે જ કૅરિબિયન ટીમનો સફાયો કરી નાખ્યો હતો. ત્યાર બાદ ભારતે 28.2 ઓવરમાં પાંચ વિકેટે 167 રન બનાવીને વિજય મેળવી લીધો હતો અને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. એમાં દીપ્તિ શર્માના અણનમ 39 રન હાઇએસ્ટ હતા, જ્યારે હરમનપ્રીતે 32 રન તથા જેમાઇમા રૉડ્રિગ્સે 29 રન અને રિચા ઘોષે અણનમ 23 રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માને પ્લેયર ઑફ ધ મૅચનો અને રેણુકા સિંહને પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો. ભારતે આ શ્રેણી પહેલાં વેસ્ટ ઇન્ડિઝને નવી મુંબઈની ટી-20 સિરીઝમાં 2-1થી હરાવી હતી.