મેદાનની બહાર ફૂટબોલનાં ખેલાડીએ કર્યું આવું કારસ્તાન કે રેડ કાર્ડ મળ્યું!
પેરુ: ફૂટબૉલની મૅચ દરમ્યાન ક્યારેક કોઈક ખેલાડી ગેરવર્તન કે અસભ્ય વર્તન કરે તો રેફરી નાછૂટકે તેને યલો કાર્ડ કે રેડ કાર્ડ બતાવતા હોય છે. જોકે પેરુ દેશમાં એક ફૂટબૉલ મૅચમાં તો ગજબ બની ગયું! ચાલુ મૅચે એક ફૂટબોલર મેદાનની બહાર જઈને પી-પી કરવા ઊભો રહી ગયો એટલે ડઘાઈ ગયેલા રેફરીએ દોડી આવીને તેને રેડ કાર્ડ બતાવી દીધું હતું.
વાત એવી છે કે કૉપા પેરુ નામની ટૂર્નામેન્ટમાં ઍટ્લેટિકો અવાજુન નામની ટીમની કૅન્ટોરસિલો ફૂટબૉલ ક્લબ સામે મૅચ ચાલી રહી હતી. મૅચની 71મી મિનિટમાં અવાજુન ટીમને કોર્નર મળ્યો હતો. બીજી બાજુ, કૅન્ટોરસિલો ટીમના ગોલકીપરને નજીવી ઈજાને પગલે સારવાર અપાઈ રહી હોવાથી રમત થોડી વાર માટે અટકાવાઈ હતી.
જોકે રમત અટકી ગઈ હોવાનો ફાયદો ઉઠાવીને અવાજુન ટીમનો સેબાસ્ટિયન મુનોઝ નામનો પ્લેયર કોર્ડન કરેલા મેદાનની થોડો બહાર જઈને (જ્યાં કોઈ જ પ્રેક્ષક નહોતો એ વિસ્તાર સામે ઊભા રહીને) સૂ-સૂ કરવા લાગ્યો હતો.
મુનોઝનું આ અસભ્ય વર્તન તરત જ હરીફ ટીમ કૅન્ટોરસિલો ટીમના કેટલાક ખેલાડીઓના ધ્યાનમાં આવી ગયું હતું. તેમણે તરત જ રેફરીને કહ્યું હતું અને ગુસ્સે થયેલા રેફરીએ મુનોઝ તરફ દોડી જઈને તેને રેડ કાર્ડ દેખાડી દીધું હતું. મુનોઝ સૂ-સૂ અધૂરું છોડીને પાછો મેદાન પર આવ્યો હતો અને રેડ કાર્ડ બતાવાયા હોવાને કારણે મૅચની બહાર જઈને બેન્ચ પર બેસી ગયો હતો.
મુનોઝે માત્ર અવાજુન ટીમને જ નહીં, પણ આખી ક્લબને શરમમાં મૂકી દીધી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
જોકે આવી આ પ્રથમ ઘટના નથી. થોડા સમય પહેલાં આર્સેનલ ક્લબનો ગોલકીપર યેન્સ લીમન એક મૅચ દરમ્યાન રમત થોડી ક્ષણો માટે અટકી હતી ત્યારે હોર્ડિંગ કૂદીને મેદાનની બહાર ગયો હતો અને પી-પી કર્યા બાદ પાછો હરીફ ટીમનો ગોલ રોકવા ગોલપોસ્ટ પાસે ઊભો રહી ગયો હતો.
1990ના ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડનો લેજન્ડરી ફૂટબોલર ગૅરી લિનેકર આયરલૅન્ડ સામેની મૅચ દરમ્યાન મેદાનની થોડા બહાર જઈને પી-પી કરી હતી. એ અસભ્ય વર્તન બદલ તેમની ત્યારે ખૂબ ટીકા થઈ હતી.