રીઝા હેન્ડ્રિક્સની છેક આટલામી ટી-20 માં પ્રથમ સેન્ચુરી, સાઉથ આફ્રિકાની આટલા વર્ષે પહેલી જીત…
35 વર્ષના ઓપનરે પાકિસ્તાન સામે 10 સિક્સર, સાત ફોરની મદદથી ફટકાર્યા મૅચ-વિનિંગ 117 રન
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાનો 35 વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર રીઝા હેન્ડ્રિક્સ 10 વર્ષથી ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચો રમે છે, પરંતુ છેક શુક્રવારે (10 વર્ષે) પહેલી વાર ટી-20માં સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો. અહીં તેણે પાકિસ્તાન સામેની બીજી ટી-20માં ધમાકેદાર સદી ફટકારી હતી. તેણે ફક્ત 63 બૉલમાં દસ છગ્ગા અને સાત ચોક્કાની મદદથી 117 રન બનાવ્યા હતા અને સાઉથ આફ્રિકાને જિતાડી દીધું હતું. સાઉથ આફ્રિકા બે વર્ષમાં પહેલી વાર ટી-20 સિરીઝ જીતી છે. મંગળવારની પ્રથમ ટી-20 અગિયાર રનથી જીત્યા બાદ શુક્રવારે હિન્રિચ ક્લાસેનની ટીમે સાત વિકેટે વિજય મેળવ્યો હતો.
સાઉથ આફ્રિકાને અગાઉની આઠ સિરીઝથી ટ્રોફી નહોતી મળતી. છેલ્લે તેઓ ઑગસ્ટ, 2022માં આયરલૅન્ડ સામેની સિરીઝ જીત્યા ત્યાર બાદ એક પણ ટી-20 શ્રેણીની ટ્રોફી નહોતા જીત્યા.
આ પણ વાંચો : ગુકેશના સંસ્કાર અને વિનમ્રતા આખી દુનિયાએ નિહાળ્યા, વીડિયો વાઇરલ થયો…
રીઝાએ ફક્ત 54 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. સાઉથ આફ્રિકાના બૅટર્સમાં તેની આ સાતમા નંબરની ફાસ્ટેસ્ટ સેન્ચુરી છે.
પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. પાકિસ્તાનની 20 ઓવર 206/5ના સ્કોર પર પૂરી થઈ ગઈ હતી અને અનલકી ઓપનર સઇમ અયુબ (98 અણનમ, 57 બૉલ, પાંચ સિક્સર, અગિયાર ફોર) ફક્ત બે રન માટે પ્રથમ ટી-20 સેન્ચુરી ચૂકી ગયો હતો. સાઉથ આફ્રિકાની ટીમમાં થોડા સમયથી ઘણા નવા બોલર આવ્યા છે. પેસ બોલર ડૅયાન ગૅલિયેમ અને ઑટનિલ બાર્ટમૅને બે-બે વિકેટ લીધી હતી.
સાઉથ આફ્રિકાએ રીઝાના 117 રન તેમ જ રૅસી વૅન ડર ડુસેન (66 અણનમ, 38 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી સાઉથ આફ્રિકાએ 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 210 રનના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. રીઝા-ડુસૅન વચ્ચે ત્રીજી વિકેટ માટે ફક્ત 83 બૉલમાં 157 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.
રીઝા હેન્ડ્રિક્સને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. 10 વર્ષની કારકિર્દીમાં તેનો આ બીજો જ અવૉર્ડ છે.
સાઉથ આફ્રિકાના કૅપ્ટન ક્લાસેને શુક્રવારે ટી-20 ક્રિકેટમાં 1,000 રન પૂરા કર્યા હતા. 23.25 તેની બૅટિંગ-ઍવરેજ અને 141.84 તેનો સ્ટ્રાઇક-રેટ છે.