સ્પોર્ટસ

હૈદરાબાદ-મુંબઈની તૂફાની મૅચમાં 14 રેકૉર્ડ બન્યા, કેટલાક તો મજા પડી જાય એવા અનોખા છે!

હૈદરાબાદ: બુધવારે હૈદરાબાદમાં આઇપીએલ સામે નવા વિક્રમો ધરી દેનાર અને ટી-20 ક્રિકેટને નવી દિશા અપાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ તથા મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મૅચમાં કેટલાક એવા સ્કોર્સ અને અન્ય આંકડા અસ્તિત્વમાં આવ્યા જે જાણીને દરેક ક્રિકેટપ્રેમીને મજા પડી જાય.

તમે નહીં માનો, પણ હૈદરાબાદના બૅટર્સે મુંબઈના બોલર્સની ધુલાઈ કરી એમાં કેટલાક નવા રેકૉર્ડ બની જ ગયા હતા, મુંબઈના બૅટર્સે પણ ઘણી મહેનત કરીને જીતવાના નિષ્ફળ પ્રયાસમાં કેટલાક રસપ્રદ વિક્રમ રચી દીધા હતા.

હૈદરાબાદે 20 ઓવરમાં ત્રણ વિકેટે 277 રન બનાવ્યા એ આઇપીએલનો નવો ટીમ-સ્કોર્સનો રેકૉર્ડ છે એ આપણે બધા જાણીએ જ છીએ. એની સાથે આપણે બીજા રસપ્રદ વિક્રમો પર પણ નજર કરી લઈએ:

(1) હૈદરાબાદે 20 ઓવરમાં નોંધાવેલો 277/3નો સ્કોર હવે આઇપીએલનો નવો હાઈએસ્ટ ટીમ-સ્કોર છે. એ સાથે, 2013માં

(11 વર્ષ પહેલાં) પુણે વૉરિયર્સ સામે બેન્ગલૂરુની ટીમ આરસીબીએ નોંધાવેલો 263/5નો રેકૉર્ડ હવે સેક્ધડ-બેસ્ટ થઈ ગયો છે.

(2) બુધવારની આખી મૅચમાં કુલ 523 રન બન્યા હતા. માત્ર આઇપીએલ નહીં, ટી-20ના ફૉર્મેટની કોઈ પણ મૅચ માટેનો આ નવો વર્લ્ડ રેકૉર્ડ છે. 2023માં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સેન્ચુરિયનમાં બનેલા કુલ 517 રનનો વર્લ્ડ રેકૉર્ડ તૂટી ગયો છે.

(3) હૈદરાબાદ-મુંબઈની મૅચમાં કુલ 38 સિક્સર ફટકારવામાં આવી જે કોઈ પણ ટી-20 મૅચ માટેનો હાઈએસ્ટ સિક્સર્સનો નવો રેકૉર્ડ છે. 2018ની સાલમાં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં બલ્ખ લેજન્ડ્સ અને કાબુલ ઝ્વનાન વચ્ચેની શારજાહ ખાતેની મૅચમાં તેમ જ 2019ની કૅરિબિયન લીગમાં સેન્ટ કિટ્સ-જમૈકા વચ્ચેની મૅચમાં કુલ 37 સિક્સર ફટકારાઈ હતી જે વિક્રમ હૈદરાબાદ-મુંબઈની મૅચે તોડ્યો છે.

(4) આઇપીએલની એક ટીમે એક ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા હોય એવી રેકૉર્ડ-બુકમાં બેન્ગલૂરુ (2013માં પુણે સામે 21 સિક્સર) મોખરે છે. જોકે મુંબઈ ઇન્ડિયન્સે બુધવારે હારી જવા છતાં પણ સિક્સર ફટકારવાની બાબતમાં પોતાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો. મુંબઈની ટીમે કુલ 20 છગ્ગા ફટકાર્યા હતા જે એનો નવો વિક્રમ છે. આ પહેલાં એના એક દાવમાં 18 છગ્ગા પણ નહોતા.

(5) હૈદરાબાદે બુધવારે 18 સિક્સર ફટકારી જે એનો નવો રેકૉર્ડ છે. આ પહેલાં, હૈદરાબાદે વધુમાં વધુ 15 સિક્સર (2024ની 23મી માર્ચે કોલકાતા સામે) ફટકારી હતી.

(6) બુધવારે મુંબઈની ટીમે 31 રનથી હારતાં પહેલાં 20 ઓવરમાં પાંચ વિકેટે 246 રન બનાવ્યા હતા. આઇપીએલમાં ટાર્ગેટ ચેઝ કરી રહેલી જેટલી પણ ટીમોએ સ્કોર નોંધાવ્યા છે એમાં મુંબઈના 246/5 હાઈએસ્ટ છે.

(7) આઇપીએલમાં પરાજિત થયેલી જેટલી પણ ટીમોના સ્કોર્સ 17 વર્ષમાં નોંધાયા છે એમાં મુંબઈનો બુધવારનો 246/5નો સ્કોર હાઈએસ્ટ છે.

(8) આઇપીએલની મૅચની બીજી ઇનિંગ્સમાં હવે મુંબઈના 246/5 નવો હાઈએસ્ટ સ્કોર છે. એ સાથે, રાજસ્થાનનો 2020ની સાલનો પંજાબ સામેનો 226/6ના સ્કોરનો વિક્રમ તૂટ્યો છે.

(9) હૈદરાબાદ વતી અગાઉ ડેવિડ વૉર્નરનો 20 બૉલમાં હાફ સેન્ચુરી (2015માં ચેન્નઈ સામે અને 2017માં કોલકાતા સામે) ફટકારવાનો વિક્રમ હતો જે બુધવારે તૂટ્યો અને એ સાથે નવો રેકૉર્ડ પણ તૂટી ગયો હતો. પહેલાં તો ટ્રેવિસ હેડે 18 બૉલમાં 50 રન પૂરા કરીને વૉર્નરના વિક્રમને ઝાંખો પાડ્યો હતો અને થોડી વાર પછી હેડના આ રેકૉર્ડને અભિષેક શર્માએ તોડી નાખ્યો. અભિષેકે 16 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.

(10) ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા આઇપીએલની એક જ મૅચમાં એક જ ટીમ વતી 20 કરતાં ઓછા બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરનાર બૅટર્સની પ્રથમ જોડી બની હતી.
(11) આઇપીએલની એક મૅચમાં પહેલી 10 ઓવરમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં હૈદરાબાદે પોતાનો જ વિક્રમ તોડ્યો છે. બુધવારે હૈદરાબાદે પ્રથમ 10 ઓવરમાં 148 રન બનાવ્યા હતા. 2021માં અબુ ધાબીમાં હૈદરાબાદની ટીમે મુંબઈ સામે પહેલી 10 ઓવરમાં 131 રન બનાવ્યા હતા. જોકે બુધવારે મુંબઈની ટીમે હૈદરાબાદ સામે પ્રથમ 10 ઓવરમાં 141 રન બનાવ્યા હતા જે આ યાદીમાં બીજા નંબર પર છે.

(12) મુંબઈ ઇન્ડિયન્સના 17 વર્ષીય સાઉથ આફ્રિકન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ક્વેના મફાકાની ચાર ઓવરમાં કુલ 66 રન બન્યા હતા. આઇપીએલમાં ડેબ્યૂ કરનાર બોલર્સમાં તે સૌથી મોંઘો બન્યો છે. તેણે માઇકલ નેસરનો ખરાબ રેકૉર્ડ તોડ્યો છે. 2013માં બેન્ગલૂરુ સામે નેસરની ચાર ઓવરમાં 62 રન બન્યા હતા.

(13) બુધવારે પાવરપ્લેમાં હૈદરાબાદના બૅટર્સે કુલ 81 રન બનાવ્યા હતા જે આઇપીએલમાં નવો વિક્રમ છે. 2017માં હૈદરાબાદે કોલકાતા સામે પાવરપ્લેમાં 79 રન બનાવ્યા હતા.

(14) આઇપીએલની એક મૅચમાં સૌથી વધુ બાઉન્ડરીઝ (સિક્સર+ફોર)ના વિક્રમની બુધવારે બરાબરી થઈ હતી. હૈદરાબાદ-મુંબઈની મૅચમાં કુલ 69 બાઉન્ડરીઝ ફટકારાઈ હતી. 2010માં ચેન્નઈ-રાજસ્થાન મૅચમાં પણ 69 બાઉન્ડરીઝ નોંધાઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પ્રિયંકા ચોપરાથી લઇને શાહરૂખ સુધીના બધા બોલિવૂડ સ્ટાર્સ પહેરે છે કરોડોની કિંમતના લક્ઝરી વોચીઝ પ્રિયંકાની માલતીથી આલિયાની રાહા સહિત ક્યુટ અને અડોરેબલ છે આ સ્ટાર ડોટર્સ ચુલા પર રોટલી સેકતો જોવા મળ્યો સ્પાઇડર મેન Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે…