`ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવી પૂરતી નથી, ભારતને તો હરાવજો જ’ એવું કોણે કહ્યું જાણો છો?
લાહોર/નવી દિલ્હીઃ ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ વર્ષોથી માને છે કે કોઈ પણ આઇસીસી ટૂર્નામેન્ટમાં ભારત ટ્રોફી ભલે ન જીતી શકે, પણ એ સ્પર્ધામાં પાકિસ્તાન સામેનો મુકાબલો તો જીતી જ લેવો જોઈએ. ભારતીય ક્રિકેટલવર્સ માટે પાકિસ્તાન સામેનો વિજય ફાઇનલની જીતથી પણ વિશેષ છે. ટ્રોફી ગુમાવી હશે તો ચાલશે, પણ પાકિસ્તાનને જો હરાવ્યું હશે તો એકેએક ભારતીયને એ ટૂર્નામેન્ટમાં સફળ થયા હોવાનો સંતોષ થયો હશે. હવે આવી જ વાત પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે કરી છે. તેમણે શુક્રવારે રાત્રે લાહોરના સમારોહમાં મીડિયાને અને મહેમાનોને સંબોધીને કહ્યું હતું કે આપણા પાકિસ્તાનની ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતે એ પૂરતું નથી, ભારતને તો હરાવવું જ જોઈશે.'
એક હકીકત કોઈ પણ ક્રિકેટપ્રેમી નહીં નકારે. વાત એ છે કે જે ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટક્કર જો ન થવાની હોય તો એ ટૂર્નામેન્ટ ફિક્કી કહેવાય. આ હાઈ-વૉલ્ટેજ મુકાબલો તો થવો જ જોઈએ અને આયોજકો એટલે જ ભારત-પાકિસ્તાનની ટક્કર રાખવાનું હવે ક્યારેય નથી ચૂકતા. પાકિસ્તાનમાં 29 વર્ષે આઇસીસી ઇવેન્ટ યોજાઈ રહી છે. શુક્રવારના સમારંભમાં પાકિસ્તાનના જાણીતા સિંગર્સ અલી ઝફર, આરિફ લોહાર અને એઇમા બેગે સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ ફટાકડાની આતશબાજી પણ થઈ હતી.
આ પણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે કરાચી તથા રાવલપિંડી ઉપરાંત લાહોરના ગદાફી સ્ટેડિયમમાં પણ મોટા પ્રમાણમાં રિનોવેશન કરવામાં આવ્યું છે. આ નવ-નિર્મિત સ્ટેડિયમના ઉદઘાટન સમારોહ વખતે શરીફે કહ્યું,
આપણી ટીમ ઘણી સારી છે. તાજેતરમાં આ ટીમે ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે. જોકે આ ટીમની ખરી જવાબદારી માત્ર ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવાની નથી, કટ્ટર હરીફ ભારતને હરાવવાની તો ખાસ જવાબદારી છે. હું ઇચ્છું છું કે આપણા ખેલાડીઓ દુબઈમાં રમાનારી મૅચમાં ભારત સામે પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપે. આપણો આખો દેશ ત્યારે તમારી પડખે રહેશે.’
ભારત-પાકિસ્તાનની મૅચ દુબઈમાં રવિવાર, 23મી ફેબ્રુઆરીએ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યાથી રમાશે. બન્ને કટ્ટર દેશ વચ્ચે અનેક મુકાબલા થયા છે અને 1990ના દાયકાથી માંડીને અત્યાર સુધીમાં આ મુકાબલાઓમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે.
ભારતે પોતાની ટીમને પાકિસ્તાન નથી મોકલી એ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને નથી ગમ્યું.
ચૅમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમાઈ હતી જેમાં પાકિસ્તાન ચૅમ્પિયન બન્યું હોવાથી આ વખતે પાકિસ્તાન ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે. સ્પર્ધાની પ્રથમ મૅચ બુધવાર, 19મી ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાશે.