સ્પોર્ટસ

ગિલનો ગરમાટોઃ રાહુલ થોડો બ્રિટિશરોની તરફેણમાં, ગાવસકરે તો આઇપીએલનું નામ લઈને ત્યાં સુધી કહ્યું કે…

લંડનઃ ભારત અને ઇંગ્લૅન્ડ વર્તમાન સિરીઝમાં 1-1ની બરાબરીમાં રહ્યા પછી લૉર્ડ્સ (LORD’S)ની ટેસ્ટમાં ખરાખરીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે અને એમાં શનિવારની રમતની છેલ્લી પળોમાં ગરમાગરમી થઈ ગઈ હતી જેમાં ઇંગ્લૅન્ડના ઓપનર્સ બીજા દાવમાં રમતના અંત સુધીમાં એક જ ઓવર રમી શકે એ માટે જાણી જોઈને સમય બગાડતાં હતા અને એમાં ખાસ કરીને ઝૅક ક્રૉવ્લી (Zak CRAWLY)એ ઈજા થઈ હોવાનું `બહાનું’ કાઢીને ફિઝિયોથેરપિસ્ટને મેદાન પર બોલાવીને સમય બગાડ્યો એટલે ગુસ્સે થયેલો કૅપ્ટન શુભમન ગિલ (SHUBHMAN GILL) ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો.

તેના એ ક્રોધિત વલણ બાબતમાં કેટલીક પ્રતિક્રિયાઓ આવી છે. ખાસ કરીને ટીમ ઇન્ડિયાના જ સેન્ચુરિયન બૅટ્સમૅન કે. એલ. રાહુલ (kl rahul) અને બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે (Sunil Gavaskar) રિએક્શન આપ્યું હતું.

આપણ વાંચો: સચિન તેન્ડુલકરે કરી આ વિનંતી, ભારત અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ તરત સંમત થઈ ગયા

ક્રૉવ્લીએ એ દિવસે બીજા દાવમાં જસપ્રીત બુમરાહની પ્રથમ ઓવરના બે બૉલ રમ્યા પછી ત્રીજા બૉલથી ડ્રામા શરૂ કરી દીધો હતો. તેણે બુમરાહને ત્રીજો ફેંકતા રોક્યો હતો. બુમરાહે રન-અપ શરૂ કર્યો કે થોડી જ ક્ષણોમાં ક્રૉવ્લી ક્રીઝમાંથી નીકળી ગયો હતો. કૅપ્ટન ગિલ સહિતના ભારતીય ખેલાડીઓએ બ્રિટિશરોના આ વર્તન સામે વિરોધ નોંધાવ્યો હતો.

ત્યાર બાદ ત્રીજો અને ચોથો બૉલ ફેંક્યા બાદ બુમરાહના પાંચમા બૉલમાં ક્રૉવ્લી હાથમાં ઈજા થઈ હોવાનું કારણ બતાવીને ક્રીઝમાંથી નીકળી ગયો હતો. તેણે જમણા હાથનું ગ્લવ કાઢીને નીચે ફેંકી દીધું હતું અને ફિઝિયોને બોલાવ્યા હતા.

આપણ વાંચો: બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે અને બે ભારત વિરુદ્ધ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલરનું અવસાન

ગિલ તેમ જ રવીન્દ્ર જાડેજા અને ખુદ બુમરાહે કટાક્ષમાં તાળી પાડીને બ્રિટિશરોને તેમની અસલિયત બતાવવાની કોશિશ કરી હતી. ગિલ તો ક્રૉવ્લી પાસે દોડી ગયો હતો અને તેને (આઇપીએલની જેમ) ઇમ્પૅક્ટ પ્લેયરને બોલાવવો છે કે શું? એવું કટાક્ષમાં (તેની હાંસી ઉડાવવાના આશયથી) કહીને બે હાથ ક્રૉસમાં રાખીને પૅવિલિયન તરફ જોઈને ઇમ્પૅક્ટ પ્લેયરનો સંકેત આપ્યો હતો.

શુભમન ગિલની બેન ડકેટ સાથે પણ દલીલ થઈ હતી અને અમ્પાયરોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.
શુભમન ગિલને હરીફ ખેલાડી ક્રૉવ્લી પાસે દોડીને ગુસ્સામાં ટિપ્પણીઓ કરવા બદલ તથા તેને ચૅલેન્જ આપવા બદલ મૅચ રેફરીનો ઠપકો મળી શકે અથવા હળવો દંડ થઈ શકે એવી ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા હતી.

આપણ વાંચો: પહેલો એક કલાક અને 54 મિનિટ ભારતના, છેલ્લી ક્ષણો ઇંગ્લૅન્ડની

ટિમ સાઉધીનો ગિલ માટે કટાક્ષ

ઇંગ્લૅન્ડની ટીમના બોલિંગ-ક્નસલ્ટન્ટ ટિમ સાઉધીએ શનિવારના ગિલના ક્રોધિત વલણની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ` શુક્રવારે મૅચના બીજા દિવસના મધ્ય ભાગમાં શુભમન ગિલ મેદાન પર મસાજ કરાવી રહ્યો હતો ત્યારે તેણે સમય નહોતો બગાડ્યો? તેણે જો એવું કર્યું તો પછી ક્રૉવ્લીની ઈજા બાબતમાં ગિલ શું કામ ફરિયાદ કરી રહ્યો હશે એ જ નથી સમજાતું.’

કેએલ રાહુલે શું પ્રતિક્રિયા આપી?

લૉર્ડ્સ ટેસ્ટના પ્રથમ દાવના સેન્ચુરિયન અને આ ઐતિહાસિક મેદાન પર એકથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર દિલીપ વેન્ગસરકર પછીનો બીજો ભારતીય ખેલાડી બનનાર કે. એલ. રાહુલે ગિલની શનિવારની ઘટના વિશે આડકતરી રીતે થોડી તરફેણ બ્રિટિશ ટીમની કરી હતી. તેણે કહ્યું, ` મૅચના કોઈ દિવસના અંતની છેલ્લી ક્ષણોમાં અને ખાસ કરીને લાંબા સમય સુધી ફીલ્ડિંગ કર્યા પછી બૅટિંગમાં આવતા ઓપનર પર શું વીતે એ હું સમજી શકું છું, કારણકે હું પોતે ઓપનર છું.

ખાસ કરીને રમતની છેલ્લી પાંચ મિનિટમાં જે બનતું હોય છે એવું ઓપનિંગ બૅટ્સમૅન તરીકે મેં પણ મહેસૂસ કર્યું છે. જોકે ગિલ ગુસ્સામાં હતો એ મેં પણ જોયું, પરંતુ અમે છેલ્લી પળોમાં ઓછામાં ઓછી બે ઓવર રમવા માગતા હતા. ટેસ્ટ-મૅચમાં આખો દિવસ ખેલાડીઓએ સામસામે લડત આપી હોય ત્યારે છેવટે થોડી ગરમાગરમી થાય એ તો રમતનો એક હિસ્સો જ કહેવાય.’

સુનીલ ગાવસકર શું બોલ્યા?

શનિવારની મેદાન પરની ગિલ-ક્રૉવ્લી વચ્ચેની ગરમાગરમી બાબતમાં પીઢ ક્રિકેટર સુનીલ ગાવસકરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) એક રીતે કારણરૂપ હોવાનું જણાવ્યું હતું. તેમનું એવું માનવું હતું કે ` ઇંગ્લૅન્ડના ઓપનર્સ ઇચ્છતા હતા કે એ દિવસે તેમણે એક જ ઓવર રમવી પડે અને ભારતીય ખેલાડીઓની નજરે બ્રિટિશરોની એ ચાલાકી હતી.

આવું કેમ થયું હશે એનું એક કારણ બતાવું. ઇંગ્લૅન્ડના બહુ મોટી સંખ્યામાં ખેલાડીઓ આઇપીએલમાં નથી રમતા એટલે આવો ઉશ્કેરાટ થઈ ગયો. જૉ રૂટ અને બેન સ્ટૉક્સ ભાગ્યે જ આઇપીએલમાં રમ્યા છે.

બીજા દેશોના ઘણા ખેલાડીઓ આઇપીએલમાં રમતા હોય છે એટલે તેઓ ભારતીય ખેલાડીઓ સાથે ભળી જતા હોય છે (બન્ને વચ્ચે દોસ્તી થઈ જતી હોય છે), એકમેક સાથે ટ્રાવેલિંગ પણ કરતા હોય છે અને ડ્રેસિંગ-રૂમ પણ શૅર કરતા હોય છે.

જોફ્રા આર્ચરને જોયો! યશસ્વી જયસ્વાલ સામે કેવો કચકચાવીને બૉલ ફેંકતો હતો! ભારત-ઇંગ્લૅન્ડના ખેલાડીઓ આઇપીએલમાં સાથે નથી રમતા હોતા એટલે (આંતરરાષ્ટ્રીય મૅચોમાં) તેમની વચ્ચે દ્વેષ જોવા મળતો હોય છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button