સ્પોર્ટસ

આરસીબીનો ભારતીય ખેલાડી બની ગયો એ જ ટીમનો બૅટિંગ-કોચ અને મેન્ટર

આ પ્લેયરે ઇંગ્લૅન્ડની પ્રવાસી ટીમને કોચિંગ આપ્યું હતું!

બેન્ગલૂરુ: આઇપીએલ-2024 બાદ તરત જ ટી-20 વર્લ્ડ કપ રમાયો અને હવે થોડી વન-ટૂ-વન સિરીઝો બાદ ફરી આઇપીએલ-2025ના વાજાં વાગવા લાગશે, કારણકે વર્ષના અંતમાં અથવા નવા વર્ષની શરૂઆતમાં મેગા ઑક્શન યોજાવાનું છે. એ પહેલાં, ફ્રૅન્ચાઇઝીઓએ જાણે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી લાગે છે. 2024ની આઇપીએલમાં રાજસ્થાન વતી રમેલા ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિનને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ થોડા દિવસ પહેલાં હાઈ-પર્ફોર્મન્સ સેન્ટરના ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કર્યો એ પછી હવે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)એ બૅટિંગ-કોચ અને મેન્ટરની નિમણૂક કરી દીધી છે.

2022થી 2024 સુધી આઇપીએલમાં આરસીબી વતી રમેલા વિેકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે આરસીબીના ખેલાડીઓને બૅટિંગનું કોચિંગ આપવાની તેમ જ ટીમના મેન્ટર તરીકેની જવાબદારી સ્વીકારી છે.

39 વર્ષના કાર્તિકે મે મહિનામાં આઇપીએલને અંતે તમામ ફૉર્મેટની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેણે આઇપીએલની 2024ની સીઝનની 13 ઇનિંગ્સમાં 187.35ના સ્ટ્રાઇક-રેટ સાથે 326 રન બનાવ્યા હતા. કાર્તિક આરસીબી વતી કુલ 60 મૅચ રમ્યો જેમાં તેણે 162.95ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 937 રન બનાવ્યા.

આ પણ વાંચો : ‘તારા વિના શક્ય નથી…’ વિરાટ કોહલીએ અનુષ્કા પર વરસાવ્યો પ્રેમ

કાર્તિકના આ 937 રન આરસીબી વતી રમી ચૂકેલા ભારતીય બૅટર્સમાં વિરાટ કોહલી પછી બીજા નંબરે છે. આરસીબી વતી કાર્તિકે 36 કૅચ પકડ્યા હતા અને નવ બૅટર્સને સ્ટમ્પ-આઉટ કર્યા હતા.

કાર્તિક 2008થી 2024 સુધીમાં તમામ આઇપીએલ ટૂર્નામેન્ટમાં રમી ચૂકેલા સાત ખેલાડીમાંનો એક છે. કાર્તિકે આ ટૂર્નામેન્ટમાં કુલ 257 મૅચમાં 4,842 રન બનાવ્યા હતા. તે મુંબઈ, દિલ્હી, પંજાબ, કલકત્તા અને ગુજરાત લાયન્સ વતી પણ રમી ચૂક્યો છે.

નવાઈની વાત એ છે કે કાર્તિકે આ વર્ષના જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવનાર ઇંગ્લૅન્ડ લાયન્સની ટીમના ખેલાડીઓને કોચિંગ આપવામાં કોચિંગ સ્ટાફને મદદ કરી હતી.

કાર્તિક આરસીબીમાં હેડ-કોચ ઍન્ડી ફ્લાવર સાથે મળીને કામ કરશે. તે બોલિંગ-કોચ ઍડમ ગ્રિફિથ અને ડિરેકટર ઑફ ક્રિકેટ મૉ બૉબાટના પણ સંપર્કમાં રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button