સ્પોર્ટસ

થ્રિલિંગ ફાઇનલમાં મંધાનાની ટીમ જીતીઃ બેંગ્લૂરુનું બીજું ટાઇટલ, દિલ્હી ચોથી વાર પણ અનલકી

વડોદરાઃ અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલમાં સ્મૃતિ મંધાનાની કૅપ્ટન્સીમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ(RCB)એ બીજી વાર ટાઇટલ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ના વિક્રમની બરાબરી કરી હતી. બીજી તરફ, દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ સતત ચોથી વખત ફાઇનલમાં પહોંચીને પ્રથમ ટાઇટલથી વંચિત રહી હતી. રોમાંચક ફાઇનલમાં બેંગ્લૂરુ સામે લડાયક ટીમ દિલ્હીનો છ વિકેટે પરાજય થયો હતો. બેંગ્લૂરુની ટીમ 19.4 ઓવરમાં 4/204 રનના સ્કોર સાથે વિજયી થઈ હતી. રાધા યાદવે બે વિનિંગ ફોર મારી હતી. 2025માં રજત પાટીદારના સુકાનમાં મેન્સ ટીમે બેંગ્લૂરુને તાજ અપાવ્યા બાદ હવે 2026માં બેંગ્લૂરુની મહિલાઓએ તાજ જીતી લીધો છે.

બેંગ્લૂરુની ટીમ 24મી અને 26મી જાન્યુઆરીએ ઉપરાઉપરી બે મૅચ (મુંબઈ અને દિલ્હી સામે) હારી ગઈ હતી એમ છતાં એણે કમબૅક કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું અને ટાઇટલ જીતી લીધું. આ ટીમને 204 રનનો લક્ષ્યાંક સફળતાથી ચેઝ કરાવવામાં કૅપ્ટન સ્મૃતિ (87 રન, 41 બૉલ, ત્રણ સિક્સર, બાર ફોર) તથા જ્યોર્જિયા વૉલ (79 રન, 54 બૉલ, 14 ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. તેમની વચ્ચે બીજી વિકેટ માટે 165 રનની ભાગીદારી થઈ હતી.

બેંગ્લૂરુએ ફક્ત નવ રનના કુલ સ્કોર પર ઓપનર ગે્રસ હૅરિસની વિકેટ ગુમાવી હતી. શિનેલ હેન્રીએ તેને ક્લીન બોલ્ડ કરી હતી. ત્યાર પછી સ્મૃતિ-વૉલે દિલ્હીની બાજી બગાડી હતી. શિનેલ હેન્રીએ કુલ બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, જેમિમાની કૅપ્ટન્સીમાં દિલ્હીએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 203 રન કર્યા બાદ દિલ્હી વતી જેમિમાએ સૌથી વધુ 57 રન, લૉરા વૉલ્વાર્ટે 44 રન, લિઝેલ લીએ 37 રન તથા શિનેલ હેન્રીએ અણનમ 35 રન કર્યા હતા. બેંગ્લૂરુની સાયલી, અરુંધતી, નૅડિને એક-એક વિકેટ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button