RCB vs DC Highlights: દિલ્હીએ ચાર કૅચ છોડ્યા એટલે બેંગલૂરુએ સતત પાંચમી જીત મેળવી
IPL 2024સ્પોર્ટસ

RCB vs DC Highlights: દિલ્હીએ ચાર કૅચ છોડ્યા એટલે બેંગલૂરુએ સતત પાંચમી જીત મેળવી

બન્ને ટીમની આશા હજી જીવંત: કેમેરન ગ્રીન મૅન ઑફ ધ મૅચ

બેંગલૂરુ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (20 ઓવરમાં 187/9)એ રવિવારે રાત્રે દિલ્હી કેપિટલ્સ (19.1 ઓવરમાં 140 રને ઓલઆઉટ)ને હરાવીને લાગલગાટ પાંચમી જીત મેળવીને કમાલ કરી નાખી હતી. આ વધુ એક વિજય સાથે ફાફ ડુ પ્લેસીની ટીમ પ્લે-ઓફની વધુ નજીક પહોંચી હતી. દિલ્હીની ટીમ છઠ્ઠા નંબરે ધકેલાઈ અને બેંગલૂરુએ એનું પાંચમું સ્થાન આંચકી લીધું. જોકે પ્લે-ઑફ માટે હજી બન્નેને મોકો છે.

દિલ્હીના ફિલ્ડર્સે બેંગલૂરુની ઇનિંગ્સમાં ચાર કૅચ ન છોડ્યા હોત તો દિલ્હીને 188ને બદલે નાનો લક્ષ્યાંક મળ્યો હોત અને મેચનું પરિણામ કદાચ જૂદું હોત. ખુદ કેપ્ટન અક્ષર બે કૅચ નહોતો પકડી શક્યો. બેંગલૂરુના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરન ગ્રીન (32 અણનમ, 24 બૉલ, બે સિક્સર, એક ફોર તેમ જ એક વિકેટ, એક રનઆઉટ)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.


દિલ્હીના નવા અને કાર્યવાહક કેપ્ટન અક્ષર પટેલે આક્રમક હાફ સેન્ચુરી (57 રન, 39 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) સાથે પોતાની ટીમને જિતાડવા પૂરી કોશિષ કરી હતી, પરંતુ તેના સિવાય બીજો કોઈ બૅટર 30 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. બેંગલૂરુના યશ દયાલે અક્ષર સહિત ત્રણ બૅટરની તથા લૉકી ફર્ગ્યુસને બે વિકેટ લીધી હતી.


આક્રમક બૅટર જેક ફ્રેઝર-મેકગર્ક (21 રન, આઠ બૉલ, બે સિક્સર, બે ફોર) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (ત્રણ રન)ની રનઆઉટમાં વિકેટ પડી એ દિલ્હી માટે મોટા બે ઝટકા હતા. ઓપનર ડેવિડ વૉર્નર (એક રન)ની વિકેટ પણ બેંગલૂરુને સાવ સસ્તામાં મળી હતી.


સુકાની અક્ષર પટેલે પણ મૅચ પછી કહ્યું હતું કે “જો અમારી ટીમે ચાર કૅચ ન છોડ્યા હોત તો અમે બેંગલૂરુની ટીમને 150ની આસપાસના સ્કોર સુધી સીમિત રાખી શક્યા હોત.”


એ પહેલાં, ગ્રીન ઉપરાંત રજત પાટીદારે (બાવન રન, 32 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નું તેમ જ વિલ જેક્સ (41 રન, 29 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નું બેંગલૂરુના 187/9ના ટોટલમાં મહત્વનું યોગદાન હતું. ડુ પ્લેસી (6 રન) અને એવરગ્રીન વિરાટ કોહલી (27 રન, 13 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની 36 રનમાં જ વિકેટ પડી જતાં બેંગલૂરુના હજારો ફેન્સના જોશ અને ઉત્સાહને ધક્કો પહોંચ્યો હતો.


જોકે વિલ-પાટીદારની જોડી ટીમના સ્કોરને 36 ઉપરથી 124 સુધી લઈ ગઈ હતી. ત્યારબાદ બીજી નાની ભાગીદારીઓ સાથે બેંગલૂરુનો સ્કોર છેવટે 187 રન પર પહોંચ્યો હતો અને દિલ્હીને 188નો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો હતો. દિલ્હીના રસિખ સલામ અને ખલીલ અહમદે બે-બે વિકેટ લીધી હતી. દિલ્હીનો કેપ્ટન રિષભ પંત એક મેચના સસ્પેન્સન બદલ રવિવારે નહોતો રમ્યો.

સંબંધિત લેખો

Back to top button