સ્પોર્ટસ

આરસીબીએ 350 એઆઇ કૅમેરા અને 4.50 કરોડ રૂપિયાની ઑફર કરી! જાણી લો, શું છે આ બધુ…

બેંગલૂરુઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના લેટેસ્ટ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ 2025માં પ્રથમ વિજેતાપદ મેળવ્યા પછી જે અભૂતપૂર્વ અને અમંગળ ઘટનાઓનો સામનો કર્યો એ પછી હવે આ ફ્રૅન્ચાઇઝીએ લોકોનો વિશ્વાસ જીતવા તેમ જ પોતાની છબિ સારી કરવા કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશનને કેટલાક સૂચનો કર્યા છે જેમાંનું એક સૂચન એ છે કે બેંગલૂરુના ચર્ચાસ્પદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 300થી 350 એઆઇ (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ) આધારિત કૅમેરા (CAMERA) બેસાડવા જોઈએ અને એ માટે પોતે (આરસીબીનું ફ્રૅન્ચાઇઝી) 4.50 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ ભોગવવા તૈયાર છે.

ગયા વર્ષે આરસીબીએ આઇપીએલની ટ્રોફી પહેલી વખત જીતી લીધી એની બીજા દિવસે બેંગલૂરુમાં ઉજવણી શરૂ થાય એ પહેલાં જ ગોઝારી ઘટના બની ગઈ હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની આસપાસ લગભગ ત્રણ લાખ જેટલા ક્રિકેટપ્રેમીઓ સેલિબે્રશનમાં સહભાગી થવા એકત્રિત થયા હતા, પરંતુ ગેરવ્યવસ્થાને કારણે નાસભાગ થઈ હતી અને એમાં 11 જણે જીવ ગુમાવ્યાં હતાં તેમ જ બીજા અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારથી આ સ્ટેડિયમ ક્રિકેટ મૅચો માટે બંધ કરવામાં આવ્યું છે.

આરસીબીનું કહેવું છે કે લોકોનો ધસારો થાય તો એને પહોંચી વળવા પૂરતી વ્યવસ્થા જાળવવા સ્ટેડિયમમાં અને એની આસપાસ કુલ મળીને 350 જેટલા એઆઇ સપોર્ટેડ કૅમેરા બેસાડી શકાય. આરસીબીએ આ સૂચન સત્તાવાર રીતે કર્ણાટક અસોસિયેશનને કર્યું છે.

રજત પાટીદાર આરસીબીની ટીમનો ચૅમ્પિયન-કૅપ્ટન છે અને ટીમમાં બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી તેમ જ દેવદત્ત પડિક્કલ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, નુવાન થુશારા, ટિમ ડેવિડ, ફિલ સૉલ્ટ, જિતેશ શર્મા, જેકબ બેથેલ, રોમારિયો શેફર્ડ, કનિષ્ક ચૌહાણ, વેન્કટેશ ઐયર, વિહાન મલ્હોત્રા, જૉશ હૅઝલવૂડ, જેકબ ડફી, સુયશ શર્મા અને રસિખ સલામ વગેરેનો સમાવેશ છે.

આરસીબીએ કહ્યું છે કે ` 350 જેટલા એઆઇ-આધારિત કૅમેરા સ્થાપિત કરાવવા પાછળ એક જ સમયનો 4.50 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે જે અમે ભોગવવા તૈયાર છીએ. આ કૅમેરા બેસાડવાથી સત્તાવાળાઓ પ્રેક્ષકોના ધસારાને સારી રીતે સંભાળી શકશે, લોકોને શિસ્તબદ્ધ રીતે લાઇનમાં જ રહીને અંદર પ્રવેશ અપાવી શકશે, ખોટી રીતે સ્ટેડિયમમાં ઘૂસનારાઓને રોકી શકશે તેમ જ એકંદરે લોકોની સલામતી જાળવી શકશે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button