રવીન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા સાથે મોદીને મળ્યા પછી સોશ્યલ મીડિયામાં લખ્યું કે…

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Jadeja) અને તેની એમએલએ-પત્ની રિવાબા (Rivaba) પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં અને તેમનું બહુમાન કર્યું હતું તેમ જ આ યાદગાર મુલાકાત પછી ` બાપુ’ જાડેજાએ સોશ્યલ મીડિયામાં મોદી સાથેની તસવીરો શૅર કરીને આ મુલાકાતને કરોડો લોકો સુધી પહોંચાડી હતી.
રિવાબા 2022માં જામનગર (ઉત્તર) સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં અને જીતી ગયાં હતાં. રિવાબા ગુજરાત રાજ્યના વિધાનમંડળમાં આદિવાસી ક્ષેત્રોના વિકાસને લગતું તેમ જ શિક્ષણ ખાતું સંભાળે છે. તેઓ પોતાના મતવિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે.

જડ્ડુ’એ સોશ્યલ મીડિયામાં ફોટા શૅર કરવાની સાથે કૅપ્શનમાં લખ્યું, માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સરને મળીને તેમની સાથે વાતચીત કરવા મળી એ અમારા માટે મોટા ગૌરવની વાત છે. તેમના વિચારો એકદમ સ્પષ્ટ હોય છે. આ ઉપરાંત તેમનો જોશ તેમ જ અસાધારણ કામ કરવા માટેનું તેમનું કમિટમેન્ટ પ્રેરણાદાયક છે. આવા નેતૃત્વમાંથી શીખવું એ પણ બહુ મોટી વાત છે.’

સાડીમાં સજ્જ રિવાબાએ પીએમ મોદીને શાલ ઓઢાડીને તેમનું બહુમાન કર્યું હતું. રિવાબાને ગયા વર્ષે 17મી ઑક્ટોબરે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યાં હતાં. રવીન્દ્ર જાડેજાને સોમવારે બીસીસીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વાર્ષિક કૉન્ટ્રૅક્ટ મુજબ ગે્રડ-એમાં સ્થાન અપાયું છે. આ ગે્રડમાં શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ પણ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને ગે્રડ-બીમાં મૂકવામાં આવ્યા છે. જાડેજા ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. 2025ની સાલમાં તેણે 63.67ની સરેરાશે કુલ 764 રન કર્યા હતા અને પચીસ વિકેટ લીધી હતી.



