Ravindra Jadeja ની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી

મેલબોર્ન : ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. જેને ભારતે 295 રને જીતી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી ગાબા ટેસ્ટ ડ્રો રહી. 5 મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. હવે ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ખાતે રમાશે.
જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો
ભારતીય ટીમે મેલબોર્ન ટેસ્ટ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 21મી ડિસેમ્બરના રોજ ભારતીય ટીમનું એમસીજી ખાતે પ્રથમ પ્રેક્ટિસ સેશન હતું. રવિન્દ્ર જાડેજાએ(Ravindra Jadeja)પ્રેક્ટિસ સેશન દરમિયાન મીડિયાને સંબોધન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાડેજાએ હિન્દીમાં જ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે પીસીના અંતે ઓસ્ટ્રેલિયન પત્રકારો જાડેજાને અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવા માંગતા હતા. જો કે જાડેજાએ બસ પકડવાનું છે તેમ કહીને પીસી છોડી હતી.
ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત માનવા તૈયાર ન હતુ
આ ઉપરાંત સમયના અભાવે કેટલાક ભારતીય પત્રકારો પણ પ્રશ્નો પૂછી શક્યા ન હતા. જો કે, ઓસ્ટ્રેલિયન મીડિયા જાડેજાથી એકદમ નારાજ દેખાઈ રહ્યું હતું. ભારતીય ટીમના મીડિયા મેનેજર મૌલિન પરીખે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ પીસી માત્ર ભારતીય મીડિયા માટે છે. પરંતુ ઓસ્ટ્રેલિયન મીડિયા આ વાત માનવા તૈયાર ન હતું.
ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો મળતો નથી
જેના પગલે ઓસ્ટ્રેલિયાના કેટલાક રિપોર્ટર્સ ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર મૌલિન પરીખ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ પણ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક કરી હતી જે અયોગ્ય હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પણ ઘણા ભારતીય પત્રકારોને સમયના અભાવે પ્રશ્નો પૂછવાનો મોકો મળતો નથી. પરંતુ ભારતીય પત્રકારોએ ક્યારેય દલીલ કરી નથી કે ગેરવર્તન કર્યું નથી.
કોહલીની મહિલા પત્રકાર સાથે દલીલ થઈ હતી
ઓસ્ટ્રેલિયન મીડિયાને તેમની ટીમના 12મા ખેલાડી તરીકે ઓળખાય છે. ખાસ કરીને જ્યારે તેઓ ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરે છે. જેણે ઘરઆંગણે છેલ્લી બે ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમને હરાવી છે. 2008માં ‘મંકીગેટ’ હોય કે પછી સૌથી તાજેતરની ઘટના જેમાં વિરાટ કોહલી સામેલ હતો.
Also read: વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાને નામે નોંધાયો આ રેકોર્ડ
પત્રકારે કોહલીની વાત ન સાંભળી
આ ઘટનામાં મેલબોર્ન પહોંચ્યા બાદ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન મહિલા ટીવી પત્રકાર સાથે દલીલ કરી હતી. તે કથિત રીતે તેના પરિવાર તરફ કેમેરા ફેરવવાથી ગુસ્સે હતો. વિરાટે મહિલા પત્રકારને તેના પરિવારની તસવીરો ડિલીટ કરવાની વિનંતી કરી હતી. પરંતુ પત્રકારે કોહલીની વાત ન સાંભળી.