જાડેજાબાપુની ધમાકેદાર બૅટિંગઃ 19મી લિસ્ટ-એ હાફ સેન્ચુરી ફટકારી

અલુર (કર્ણાટક): ` બાપુ’ રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હાલમાં ચાલી રહેલી વિજય હઝારે વન-ડે ટૂર્નામેન્ટમાં ગુરુવારે હજી બીજી જ મૅચ રમ્યો અને એમાં તેણે 19મી લિસ્ટ-એ હાફ સેન્ચુરી ફટકારીને સૌને રોમાંચિત કરી દીધા હતા. સૌરાષ્ટ્ર વતી ગુજરાત સામે રમતા જાડેજાની આ જ સ્થળે ફિફ્ટી પૂરા કરવાની મંગળવારે ઇચ્છા અધૂરી રહી હતી, કારણકે સર્વિસીઝ સામેની મૅચમાં સૌરાષ્ટ્રની ઇનિંગ્સ પૂરી થઈ જતાં તે 36 રને અણનમ રહ્યો હતો. તેણે એ ઇચ્છા ગુરુવારે પૂરી કરી લીધી હતી.
એક વાત નક્કી છે કે ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર ` જડ્ડુ’એ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવા છતાં તેની લોકપ્રિયતા લેશમાત્ર ઘટી નથી. તે નાની ધમાકેદાર ઇનિંગ્સ રમે તો થોડી જ વારમાં તેના વિશેની વિગતો જાણવા માટે ગૂગલ સર્ચમાં હજારોની સંખ્યામાં વધારો થઈ જાય છે.
Ravindra Jadeja 36*(31) and 52*(39) in the recent two outings for Saurashtra
— . (@kadaipaneer_) January 8, 2026
With ball:
10-48-0-1
10-0-62-3 pic.twitter.com/YZ0HILz6iu
ગુરુવારે એવું જ થયું. જોત જોતામાં તેના નામે 2,000થી પણ વધુ સર્ચ થયા હતા. તેના ચાહકો તેના પર્ફોર્મન્સ વિશે એટલા બધા સતર્ક છે કે તેના વિશેની રજેરજ માહિતી જાણવાની તક નથી છોડતા. તે હાલમાં બહુ સારા ફૉર્મમાં છે એટલે જ આગામી 11મી જાન્યુઆરીએ વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થઈ રહેલી વન-ડે શ્રેણીની ટીમમાં તેને સ્થાન મળ્યું છે. સિરીઝની બીજી મૅચ તેના હોમટાઉન રાજકોટમાં જ રમાવાની છે.
જાડેજાએ ગુરુવારે 39 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. એમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. નવાઈની વાત એ છે કે મંગળવારે 36 રને અણનમ રહ્યા બાદ ગુરુવારે તે બાવન રન પર અણનમ રહ્યો હતો. ખરેખર તો સૌરાષ્ટ્રની આખી ઇનિંગ્સ જબરદસ્ત હતી. જાડેજા ઉપરાંત તેના બીજા ચાર સાથી બૅટ્સમેનની ઇનિંગ્સ પણ ધમાકેદાર હતી. એમાં વિશ્વરાજ જાડેજા (112 રન, 103 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર), પ્રેરક માંકડ (86 રન, 49 બૉલ, ચાર સિક્સર, દસ ફોર), કૅપ્ટન-વિકેટકીપર હાર્વિક દેસાઈ (82 રન, 80 બૉલ, એક સિક્સર, તેર ફોર) અને ચિરાગ જાની (43 રન, 27 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નો સમાવેશ હતો. જાડેજાએ ચોથી વિકેટ માટે ચિરાગ જાની સાથે 95 રનની ભાગીદારી કરી હતી. તેમની એ ભાગીદારીએ જ ટીમનો સ્કોર પોણાચારસોને પાર પહોંચાડ્યો હતો.
સૌરાષ્ટ્ર (Saurashtra)એ 50 ઓવરમાં ચાર વિકેટે 383 રન કરીને ગુજરાતને 384 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. અડધી ઓવર (પચીસ ઓવર) સુધીમાં ગુજરાતે 164 રનમાં છ વિકેટ ગુમાવી દેતાં સૌરાષ્ટ્રની જીતની આશા પ્રબળ થઈ ગઈ હતી.
આ પણ વાંચો…સરફરાઝના 15 બૉલમાં ફિફ્ટી, મુંબઈ વિજયની લગોલગ આવ્યા બાદ…



