વિશ્વના નંબર-વન ઑલરાઉન્ડર ‘બાપુ’ જાડેજા ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે કે શું?
રાજકોટ: ટેસ્ટ જગતના નંબર-વન ઑલરાઉન્ડર અને નવમા નંબરના બોલર રવીન્દ્ર જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી સાથે સિડની ખાતેની તાજેતરની આઠ નંબરવાળી સ્પેશિયલ પિન્ક જર્સીનો ફોટો પોસ્ટ કર્યો એ સાથે ક્રિકેટ જગતમાં ચર્ચા થવા લાગી છે કે ‘બાપુ’ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. 36 વર્ષનો જાડેજા ઘણા વર્ષોથી ભારતીય ટીમનો મુખ્ય હિસ્સો રહ્યો છે. તેણે ભારતને ઘણી મેચો જિતાડી છે. હેડ-કોચ ગૌતમ ગંભીર ત્રણેય ફોર્મેટની ટીમને નવું રૂપ આપી રહ્યો હોવાથી જાડેજા હવે એમાં ફિટ બેસે એમ છે કે નહીં એના પર ચર્ચા થઈ રહી છે.
આગામી મહિનાઓમાં ટી-20 અને વન-ડે મૅચો તેમ જ આઈપીએલ રમાવાની હોવાથી ગૌતમ ગંભીર હાલમાં તો ટેસ્ટ ટીમમાં ફેરફાર કરવાના મૂડમાં નથી એવું માનવામાં આવે છે, કારણકે આગામી ટેસ્ટ સિરીઝ છેક જૂનમાં ઇંગ્લૅન્ડ સામે રમાવાની છે, પણ જાડેજા પોતાના ટેસ્ટ ભાવિ વિશે કંઈક નિર્ણય લઈ રહ્યો હોય એવું લાગે છે.
Also read: જડ્ડુ, ઉસકો દાંત મત દિખા…જાડેજાને રોહિતે આવું કેમ કહ્યું?
હાલમાં ભારતીય બૅટિંગના મિડલ ઑર્ડરમાં અનુભવી ખેલાડી ન હોવાથી જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં આ વર્ષ તો ડિમાન્ડમાં રહેશે એવું લાગે છે. આખરે તે વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર હોવાથી સિલેકટરો તેને સાવ અવગણી નહીં શકે. રવિચંદ્રન અશ્વિન અચાનક રિટાયર થઈ ગયો હોવાથી ટેસ્ટ ટીમમાં ભરોસાપાત્ર ઑલરાઉન્ડરની જરૂર પણ છે એટલે જાડેજા જેવા અનુભવીની જરૂર ટીમને છે જ.