
બેંગલુરુઃ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રવિવારે વર્લ્ડ કપ 2023માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિનર બન્યો હતો.
નેધરલેન્ડ સામેની મેચમાં જાડેજાએ 9 ઓવર નાંખી અને 49 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તેણે વાન ડેર મર્વેને પેવેલિયન મોકલીને અનિલ કુંબલે અને યુવરાજ સિંહને પાછળ રાખ્યા હતા. આ વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાના નામે હવે 16 વિકેટ છે. તેણે 9 મેચમાં 18.25ની બોલિંગ એવરેજ અને 3.97ની શાનદાર સ્ટ્રાઈક રેટથી બોલિંગ કરતી વખતે આ વિકેટો લીધી છે.
જાડેજા પહેલા ભારતીય સ્પિનરના વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલે અને યુવરાજ સિંહના નામે હતો. કુંબલેએ 1996ના વર્લ્ડ કપમાં 15 વિકેટ ઝડપી હતી, જ્યારે યુવરાજ સિંહે વર્લ્ડ કપ 2011માં 15 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે હવે સેમી-ફાઇનલ મેચ રમશે. આ પછી જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો જાડેજા પાસે વધુ બે મેચ રમવાની તક રહેશે. અહીં પણ જાડેજા વિકેટ લઈને પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરી શકે છે. જાડેજાની સાથે સાથે કુલદીપ યાદવ પણ આ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 14 વિકેટ ઝડપી છે.