પરાજયથી હતાશ રવીન્દ્ર જાડેજાની કઈ મુશ્કેલી વધી?

હૈદરાબાદ: ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ હૈદરાબાદમાં જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ છતાં અને ભારતને સરસાઈ અપાવવા છતાં પરાજય જોવો પડ્યો એ આઘાત ઉપરાંત તેને હૅમ્સ્ટ્રીંગની ગંભીર ઈજાએ વધુ નિરાશ કરી દીધો છે. તે બીજી ફેબ્રુઆરીએ વિશાખાપટનમમાં શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં નથી જ રમી શકવાનો, એવો સંદેહ છે કે તે સિરીઝની બાકીની ચારેય ટેસ્ટમાં નહીં રમી શકે.
જાડેજા બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમીમાં વધુ સારવાર માટે પહોંચી ગયો છે જ્યાંના ડૉક્ટરે કહ્યું છે કે જાડેજાની સાથળની ઈજા ગંભીર છે.
કેટલાક અખબારી અહેવાલો મુજબ ‘જાડેજા માટે સિરીઝમાં કમબૅક કરવું મુશ્કેલ છે. હોમ-ટેસ્ટમાં જાડેજા ટીમ ઇન્ડિયા માટે હંમેશાં મહત્ત્વપૂર્ણ ખેલાડી બની જતો હોય છે, પરંતુ તેને જે ઈજા થઈ છે એમાંથી મુક્ત થતાં તેને ઘણા દિવસ લાગી શકે એમ છે.’
હૈદરાબાદની ટેસ્ટમાં જાડેજાએ પહેલા દાવમાં 88 રનમાં ત્રણ વિકેટ લીધી હતી તેમ જ ટીમમાં હાઇએસ્ટ 87 રન બનાવ્યા હતા. બીજા દાવમાં તેણે બે વિકેટ લીધી હતી. જોકે ભારત જીતી શકતું હતું એવી હાલતમાં ચોથા દિવસે હારી ગયું હતું.
બીસીસીઆઇએ જાડેજાના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. વૉશિંગ્ટન સુંદરની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે. સૌરવ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.