રવીન્દ્ર જાડેજાની અપ્રતિમ સિદ્ધિઃ ભારતનો એવો પ્રથમ લેફ્ટ-આર્મ સ્પિનર અને વિશ્વનો છઠ્ઠો બોલર છે જેણે…
![Ravindra Jadeja test record](/wp-content/uploads/2024/11/image-ezgif.com-resize-49.webp)
નાગપુરઃ ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે ભારતને વિજય અપાવવામાં ખાસ કરીને પાંચ ખેલાડી (હર્ષિત રાણા, શુભમન ગિલ, અક્ષર પટેલ, શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા)ના યોગદાન હતા, પરંતુ એ બધામાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ખાસ કરીને બોલિંગમાં જે સિદ્ધિ મેળવી એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ભારતના તમામ સ્પિનર્સમાં સર્વશ્રેષ્ઠ છે. તે ભારતનો એવો પહેલો લેફ્ટ-આર્મ સ્પિનર છે જેણે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં કુલ મળીને 600 વિકેટ લીધી છે.
ટેસ્ટમાં જાડેજાની 323 વિકેટ, ટી-20માં 54 વિકેટ અને વન-ડેમાં 223 વિકેટ છે. વન-ડે ક્રિકેટમાં તેણે ગુરુવારે 223મી વિકેટ લીધી એ સાથે કુલ 600 ઇન્ટરનૅશનલ વિકેટનો ભારતીય વિક્રમ તેના નામે લખાઈ ગયો હતો.
જાડેજાએ એ દિવસે જૉ રૂટ (19 રન) અને જૅકબ બેથેલ (51 રન)ને એલબીડબ્લ્યૂમાં પૅવિલિયન ભેગા કરી દીધા ત્યાર બાદ 47મી ઓવરમાં તેણે હરીફ સ્પિનર આદિલ રાશિદ (8 રન)ને ક્લીન બોલ્ડ કર્યો એ સાથે તેની 600મી આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાઈ હતી અને તે રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.
આ પણ વાંચો : ખાલેદ અહેમદની વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આ રેકોર્ડ બનાવ્યો, અશ્વિન અને કપિલ દેવને પાછળ છોડ્યા
જાડેજા ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. છેલ્લે તે ગયા વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડ કપમાં રમ્યો હતો.
તેણે કરીઅરમાં કુલ 600 વિકેટ લેવા ઉપરાંત કુલ 6,653 રન પણ બનાવ્યા છે. એ જોતાં 600 વિકેટ લેવાની સાથે 6,500-પ્લસ રન બનાવીને તેણે ભારતની જ નહીં, ક્રિકેટ જગતની રેકૉર્ડ-બુકમાં અનેરું સ્થાન નોંધાવ્યું છે. તે 6,000થી વધુ રન બનાવવા ઉપરાંત 600 વિકેટ લેનાર કપિલ દેવ પછીનો બીજો ભારતીય બન્યો છે. એકંદરે, આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો તે છઠ્ઠો બોલર છે. તેની પહેલાંના પાંચ બોલર્સમાં કપિલ દેવ, વસીમ અકરમ, શૉન પોલૉક, ડેનિયલ વેટોરી અને શાકિબ-અલ-હસનનો સમાવેશ છે.
ગુરુવારે ભારતે 37મી ઓવરમાં મૅચ-વિનર શુભમન ગિલ (87 રન)ની વિકેટ ગુમાવી ત્યારે ભારતે જીતવા માટે ફક્ત 14 રન બનાવવાના બાકી હતા. ઇંગ્લૅન્ડના બોલર્સનું આક્રમણ ત્યારે ભારતીય ટીમને આઘાત પમાડનારું હતું, કારણકે ત્યારે ચાર ઓવરમાં ભારતે અક્ષર પટેલ (બાવન રન), કેએલ રાહુલ (બે રન) અને ગિલની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે જાડેજા (12 અણનમ, 10 બૉલ, બે ફોર)એ એક છેડો સાચવી રાખીને તેમ જ હાર્દિક પંડ્યા (નવ અણનમ, છ બૉલ, એક સિક્સર)ને સાથ આપી ધબડકો રોકીને ભારતને વિજય અપાવી દીધો હતો.
600 કે 600-પ્લસ વિકેટ લઈ ચૂકેલા ભારતીય બોલર
(1) અનિલ કુંબલે, 956 વિકેટ
(2) રવિચન્દ્રન અશ્વિન, 765 વિકેટ
(3) હરભજન સિંહ, 711 વિકેર્ટ
(4) કપિલ દેવ, 687 વિકેટ
(5) ઝહીર ખાન, 610 વિકેટ
(6) રવીન્દ્ર જાડેજા, 600 વિકેટ