
કોલકતા: રવિવારે કોલકતાના ઈડન ગાર્ડન ખાતે રમાયેલી ઇન્ડિયા વર્સીસ સાઉથ આફ્રિકાની મેચમાં ટીમ ઈન્ડિયાએ 243 રનથી સાઉથ આફ્રિકાની ટીમને પરાજિત કરીને વર્લ્ડકપ-2023માં પોતાની નંબર વનની પોઝિશન પર પોતાનો દાવો મજબૂત કરી દીધો છે.
કિંગ કોહલીએ ગઈકાલે આ મેચમાં તેની 49મી સદી ફટકારીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી તો રવીન્દ્ર જાડેજાએ પાંચ મહત્ત્વની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની જીતનો પાયો મજબૂત બનાવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે મેન ઓફ ધી મેચ રવીન્દ્ર જાડેજાને આપવામાં આવશે પરંતુ એનાથી વિપરીત થયું હતું.
દરમિયાન ક્રિકેટપ્રેમીઓમાં એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા બંને ખેલાડીઓ મેન ઓફ ધ મેચના દાવેદાર હતા, પણ મેચ બાદ જ્યારે વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મેચ બાદ રવીન્દ્ર જાડેજાએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી જેના વિશે આપણે અહીં વાત કરવાના છીએ. આવો જોઈએ શું કહ્યું બાપુએ…
અત્યાર સુધી વર્લ્ડકપમાં રમાયેલી બધી જ મેચમાં રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન સારું જ રહ્યું છે, ગઈકાલની મેચમાં પણ ધૂંઆધાર બોલિંગ કરીને સાઉથ આફ્રિકાની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી.
મેચ બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જાડેજાએ જણાવ્યું હતું કે, કોલકતાની પીચ ખુબ જ ચેલેંજિંગ હતી, કારણ કે બોલ સ્વિંગ થતો હતો પણ બાઉન્સ નહોતો થઈ રહ્યો. ભારતે 326 રનનો જે ટાર્ગેટ આપ્યો હતો એમાં વિરાટ કોહલી અને વચ્ચે આવેલા બેટ્સમેનોનું સૌથી મહત્વનું યોગદાન રહ્યું હતું.
આ મેચમાં વિરાટની સદી અને શ્રેયસ અય્યરની હાફ સેંચ્યુરીના જોરે ટીમ ઈન્ડિયાએ 327 રનનો જંગી સ્કોર કર્યો હતો અને ઈન્ડિયન બોલરોએ પણ સાઉથ આફ્રિકાની ટીમને 83 રન પર ઓલ આઉટ કરી દીધી હતી.