જાડેજાએ બીસીસીઆઇનો આ નિયમ તોડ્યો, પણ તેની સામે કદાચ પગલાં નહીં લેવાય…

બર્મિંગમઃ ભારતીય ક્રિકેટરો દેશમાં રમતા હોય કે વિદેશમાં, બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અમુક ખાસ નિયમો છે જે ખુદ ખેલાડીઓની સલામતી માટે તેમ જ ક્રિકેટની ભાવનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે, પરંતુ એમાંનો એક મહત્ત્વનો નિયમ પીઢ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા (RAVINDRA JADEJA)એ તાજેતરમાં તોડ્યો હતો. જોકે એવું મનાય છે કે તેની સામે શિસ્તભંગ (DISCIPLINARY ACTION)નું કોઈ પગલું નહીં ભરવામાં આવે અને માત્ર હળવો ઠપકો આપીને વાતને બાજુ પર રાખી દેવામાં આવશે.
બીસીસીઆઇના નવા નિયમો સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રૉસિજર (SOP) તરીકે ઓળખાય છે. આ નિયમો ડિસેમ્બર-જાન્યુઆરીની બોર્ડર-ગાવસકર ટ્રોફી હેઠળ રમાયેલી ટેસ્ટ સિરીઝના સમયથી (છ મહિનાથી) બનાવવામાં આવ્યા છે.
એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ જાડેજા ટીમની બસ (BUS)માં બધાની સાથે પ્રવાસ કરવાને બદલે અલગથી મુસાફરી કરીને સ્ટેડિયમ પર પહોંચ્યો હતો.
ખેલાડીઓ વચ્ચે એકતા રહે, તેઓ મૅચ પહેલાં એકમેક સાથે પોતાના વિચારોની, સૂચનોની આપ-લે કરી શકે અને રમતાં પહેલાં થોડા હળવા થવા એકમેક સાથે મજાકમસ્તી કરી શકે એ હેતુથી ટીમના તમામ ખેલાડીઓએ મૅચ સંદર્ભમાં ટીમની બસમાં જ મુસાફરી કરવી ફરજિયાત છે. જોકે એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં જાડેજા ગુરુવારના બીજા દિવસે મૅચ પહેલાં ટીમની બસમાં બધાની ભેગો સ્ટેડિયમ પર પહોંચવાને બદલે પોતાની રીતે વહેલો પહોંચી ગયો હતો અને નેટ પ્રૅક્ટિસ કરવા લાગ્યો હતો. એ દિવસે જાડેજાએ પાછલા દિવસના 41 રન પરથી આગળ રમવાનું શરૂ કરવાનું હતું અને કૅપ્ટન શુભમન ગિલ ત્યારે 114 રન પર નૉટઆઉટ હતો.
જાડેજાએ નિયમનો ભંગ તો કર્યો જ હતો, પણ તેણે કારણમાં જણાવ્યું કે ` લીડ્સની પ્રથમ ટેસ્ટના બન્ને દાવમાં ભારતીય ટીમનો જોરદાર ધબડકો થયો જેને લીધે છેવટે પરાજય જોવો પડ્યો હતો. એ હતાશાને ધ્યાનમાં રાખીને મેં નવા બૉલનો સામનો વધુ સારી રીતે કરી શકાય એ માટે વહેલી અને વધુ પ્રૅક્ટિસ કરવાનું નક્કી કર્યું હતું એટલે વહેલો સ્ટેડિયમ પર પહોંચ્યો હતો. ઇંગ્લૅન્ડમાં જેટલી વધુ બૅટિંગ પ્રૅક્ટિસ કરીએ એટલો બૅટ્સમૅનને ફાયદો થાય. બૉલ ગમે ત્યારે સ્વિંગ થાય અને બૅટની કટ લાગી જાય અથવા ક્લીન બોલ્ડ થઈ જવાય. હું બૅટિંગમાં પણ યોગદાન આપું છું ત્યારે વધુ આનંદિત થાઉં છું. મારા આઉટ થયા બાદ વૉશી (વૉશિંગ્ટન સુંદર) પણ ઘણું સારું રમ્યો હતો.’
જાડેજા ગુરુવારે 89 રનના સ્કોર પર આઉટ થતાં 11 રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે ગિલ સાથે છઠ્ઠી વિકેટ માટે 203 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ વૉશિંગ્ટન સુંદરે 103 બૉલમાં 42 રન કર્યા હતા અને ગિલ સાથે સાતમી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચો : રવીન્દ્ર જાડેજાની અપ્રતિમ સિદ્ધિઃ ભારતનો એવો પ્રથમ લેફ્ટ-આર્મ સ્પિનર અને વિશ્વનો છઠ્ઠો બોલર છે જેણે…