
મૅન્ચેસ્ટરઃ રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટમાં બોલિંગ કરતાં બૅટિંગમાં ચડિયાતું યોગદાન આપ્યું છે અને એનો એક પુરાવો એ છે કે તેણે અસાધારણ બૅટિંગ પર્ફોર્મન્સ સાથે ક્રિકેટ-લેજન્ડની રેકૉર્ડ-બુકમાં સ્થાન મેળવ્યું છે. વિદેશમાં કોઈ એક દેશની ધરતી પર કોઈ ક્રિકેટરે કુલ 1,000થી વધુ રન કર્યા હોય તેમ જ 30થી વધુ વિકેટ પણ લીધી હોય એવું અગાઉ ફક્ત બે ખેલાડીઓના કિસ્સામાં બન્યું હતું અને જાડેજા તેમની હરોળમાં આવી ગયો છે.
જાડેજા (RAVINDRA JADEJA)એ ઇંગ્લૅન્ડની ધરતી પર 1,000-પ્લસ રન કર્યા છે તેમ જ 34 વિકેટ પણ લીધી છે. ફાઇટિંગ સ્પિરિટવાળા આ ઑલરાઉન્ડરની શનિવારે વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે ખૂબ પ્રશંસા કરી હતી. કપિલે કહ્યું હતું કે ` હું પેસ બોલિંગ ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સ સાથે જાડેજાની સરખામણી નથી કરતો, પરંતુ સ્ટૉક્સે ઑલરાઉન્ડર (ALLROUNDER) તરીકે ભલે ગમે એટલી સિદ્ધિ મેળવી હોય, મારી દૃષ્ટિએ જાડેજા તેનાથી ચડિયાતો છે.’
આ પણ વાંચો: જાડેજા, નીતીશ, બુમરાહ અને સિરાજે 148 વર્ષની ટેસ્ટ-ક્રિકેટને આ નવો વિશ્વવિક્રમ આપ્યો…
કોઈ એક દેશની ધરતી પર કોઈ ખેલાડીએ 1,000-પ્લસ રન કરવા ઉપરાંત 30-પ્લસ વિકેટ પણ લીધી હોય એમાં જાડેજાની પહેલાં બે મહાન ખેલાડીઓનો સમાવેશ છે. તેમની કરીઅર પર નજર કરીએ તો જાડેજાની સિદ્ધિ છેલ્લા કેટલાક દાયકામાં સર્વશ્રેષ્ઠ કહેવાય.
વેસ્ટ ઇન્ડિઝના સર ગૅરી સોબર્સે (GARY SOBERS) ઇંગ્લૅન્ડની ધરતી પર કરીઅર દરમ્યાન કુલ 1,820 રન કર્યા હતા અને 62 વિકેટ લીધી હતી. તેમની ટેસ્ટ કારકિર્દી 1954થી 1974 સુધીની હતી.
ઇંગ્લૅન્ડના વિલ્ફ્રેડ રહૉડ્સે (WILFRED RHODES) ઑસ્ટ્રેલિયાની ધરતી પર કુલ 1,032 રન કર્યા હતા તેમ જ 42 વિકેટ લીધી હતી. વિલ્ફ્રેડની ટેસ્ટ કરીઅર 1899થી 1930 સુધીની હતી.