
બ્રિસ્બેન: બોર્ડેર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ડ્રોમાં પરિણમી, આ મેચ બાદ ભારતના દિગ્ગજ સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin Retires) ચોંકાવનારી જાહેરાત કરી હતી. રવિચંદ્રને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે વિરાટ કોહલી રવિચંદ્રન અશ્વિનને ગળે લગાવતો જોવા મળ્યો હતો. આ પછી આર અશ્વિનની નિવૃત્તિ અંગે અટકળો શરૂ થઈ હતી. ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ તે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો અને નિવૃત્તિની પુષ્ટિ કરી હતી.
Also read: IND vs AUS 3rd Test: મેચ રોમાંચક સ્થિતિમાં; ભારતને જીતવા માટે આટલા રનનો ટાર્ગેટ
ક્રિકેટમાં શાનદાર કારકિર્દી:
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે બીજો સૌથી સફળ બોલર રહ્યો. અશ્વિને 106 ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી છે. 38 વર્ષીય અશ્વિને ટેસ્ટમાં 37 વખત પાંચ વિકેટ લીધી હતી. આ મામલે તે મુથૈયા મુરલીધરન (67) પછી બીજા ક્રમે છે. આર અશ્વિને ભારતીય ટીમને 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવા મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેણે ક્રિકેટના તમામા ફોર્મેટમાં કુલ 765 વિકેટ લીધી છે, જે ભારતમાં અનિલ કુંબલેની 956 વિકેટ બાદ બીજા ક્રમે અને વર્લ્ડ ક્રિકેટમાં 11મા ક્રમે છે. વિકેટો ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિને છ સદી અને 14 અડધી સદી સાથે 3503 ટેસ્ટ રન પણ બનાવ્યા છે. તે ટેસ્ટમાં 3000થી વધુ રન અને 300 વિકેટ લેનારા 11 ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે 11 વખત પ્લેયર-ઓફ-ધ-સિરીઝ એવોર્ડ પણ જીત્યો છે.