ગાવસકરે લંચ વખતે વૉશિંગ્ટન સુંદરની વાત નીકળી એટલે દિવાલ પર પ્લેટ પછાડી, જાણો શા માટે…
મુંબઈ: ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ અનેક પ્રકારની મુસીબતો અને મુશ્કેલીઓ જોવી પડી અને એટલે જ સિરીઝની ટ્રોફી આપણે ગુમાવી બેઠા છીએ. નિરાશાની પરંપરા શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં પણ ચાલુ રહી હતી. કિવી ટીમને 235 રનમાં ઑલઆઉટ કર્યા પછી ભારતે શુક્રવારે 86 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય સ્પિનર્સે કમાલ કરી દેખાડી, પરંતુ વોશિંગ્ટન સુંદર જેણે ચાર વિકેટ લીધી હતી તેની બાબતમાં કોમેન્ટેટર સુનીલ ગાવસકર ખફા હતા.
ક્રિકેટના લેજન્ડ્સ કહેતા હોય છે કે સ્પિનરથી નો-બૉલ પડવો જ ન જોઈએ.
જોકે શુક્રવારે વાનખેડેમાં ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજાથી વારંવાર નો-બૉલ પડ્યા એ જોવું ઘણાને નહીં જ ગમ્યું હોય. એ દિવસે ભારતીય બોલર્સથી કુલ નવ નો-બૉલ પડ્યા હતા જેમાંથી પાંચ વૉશિંગ્ટન સુંદર અને ત્રણ જાડેજાના હાથે પડ્યા હતા.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે “અમે લંચ માટેના રૂમમાં ભેગા થયા ત્યારે સુનીલ ગાવસકર ઑફ-સ્પિનર વૉશિંગ્ટન સુંદરની બાબતમાં ખૂબ ગુસ્સે હતા. વોશિંગ્ટનથી જે નો-બૉલ પડ્યા હતા એને લીધે ગાવસકર ક્રોધિત હતા. ગાવસકરે ત્યારે લંચ માટેની પ્લેટ ગુસ્સામાં દિવાલ પર પછાડી હતી.”
રવિ શાસ્ત્રીએ એ કિસ્સા વિશે વધુમાં કહ્યું હતું કે “એ તો સારું થયું કે વોશિંગ્ટન સુંદર ત્યારે દૂર ઊભો હતો. નહીં તો, આપણો વોશિંગ્ટન સુંદર છેક વોશિંગ્ટન ડીસી પહોંચી ગયો હોત. “
ગાવસકરે પછીથી કોમેન્ટરીમાં જણાવ્યું હતું કે “ફાસ્ટ બોલરની બોલિંગ સ્ટાઇલ જ એવી હોય છે કે એમાં ક્યારેક તેનાથી નો-બૉલ પડી જાય, પરંતુ સ્પિનરથી તેમ જ સ્લો બોલિંગ એક્શનવાળા બોલરથી નો-બૉલ પડે એ તો ચાલે જ નહીં.”
જાડેજાએ શુક્રવારે પાંચ વિકેટ અને વોશિંગ્ટન સુંદરે ચાર વિકેટ લીધી હતી.