રવિ શાસ્ત્રી કહે છે, ` 1968 કરોડ રૂપિયા પૂરતા નથી, ભારતને વધુ હિસ્સો મળવો જોઈએ’

નવી દિલ્હીઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આવકમાંથી ભારતને 2024-27ની યોજના હેઠળ વર્ષે 1,968 કરોડ રૂપિયાનો સૌથી વધુ હિસ્સો મળશે, પરંતુ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન કૉમેન્ટેટર રવિ શાસ્ત્રી (RAVI SHASTRI)નું એવું માનવું છે કે આઇસીસીની આવકમાંથી ભારતને હાલમાં જે સૌથી વધુ (38.5 ટકાનો) હિસ્સો મળે છે એ માત્ર વ્યવહારું છે, પણ પૂરતો નથી.
ભારતના ભૂતપૂર્વ હેડ-કોચ શાસ્ત્રી એક બ્રિટિશ મૅગેઝિનને આપેલી મુલાકાતમાં કહે છે કે ` ભારત જેટલા પ્રમાણમાં આઇસીસીને આવક ઊભી કરી આપે છે એને અનુરૂપ આઇસીસીની કમાણીમાં ભારતનો હિસ્સો હોવો જોઈએ. જ્યારે ભારતની ટીમ વિદેશમાં જઈને રમે છે ત્યારે ટીવી રાઇટ્સ અને અન્ય કમાણીની દૃષ્ટિએ આઇસીસીને અનેકગણો ફાયદો થતો હોય છે. ટીવી રાઇટ્સ દ્વારા થતી કમાણી જ આ વાતનો સ્પષ્ટ પુરાવો છે.’
આ પણ વાંચો: રવિ શાસ્ત્રી ક્હે છે, ‘ બુમરાહ પર બોજ નાખવાને બદલે…’
કોને કેટલો હિસ્સો મળે છે
ઉલ્લેખનીય છે કે ક્રિકેટજગતના તમામ ક્રિકેટ બોર્ડમાં બીસીસીઆઇ (BCCI) સૌથી શ્રીમંત છે. ક્રિકેટજગતમાં ભારત અને બીસીસીઆઇ સૌથી વધુ આવક અપાવે છે. આઇસીસીની કુલ કમાણીમાં જે 38.5 ટકાનો જે સર્વોચ્ચ હિસ્સો ભારતને મળે છે એ બીજા નંબરના હિસ્સા કરતાં છ ગણો વધુ છે. બીજા નંબરનો 6.89 ટકાનો હિસ્સો ઇંગ્લૅન્ડ (ENGLAND)ના ક્રિકેટ બોર્ડને અને ત્રીજા નંબરનો 6.25 ટકાનો ભાગ ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડને આપવામાં આવે છે.
આઇસીસી દ્વારા જ કમાણીમાંથી હિસ્સા મુજબની વહેંચણીનું આ મૉડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ત્રણ ક્રિકેટ બોર્ડ માટેની આવકની વહેંચણી ઉપરાંત બીજા નવ દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે બાકીના 12 ટકા હિસ્સાની કમાણી વહેંચવામાં આવે છે.
આ પણ વાંચો: રવિ શાસ્ત્રીએ કોહલી અને રોહિત વિશે ચોંકાવનારું મંતવ્ય આપી દીધું!
શાસ્ત્રીએ 1970ના દાયકાનું ઉદાહરણ આપ્યું
રવિ શાસ્ત્રી કહે છે, `આઇસીસીને દર વર્ષે જે કંઈ કમાણી થાય છે એમાંથી મોટા ભાગની કમાણી ભારતમાંથી અને ભારત દ્વારા જ થાય છે એટલે ભારતને કુલ કમાણીમાંથી વધુ પૈસા મળવા જોઈએ. આ તો અર્થશાસ્ત્ર આધારિત છે. આવતી કાલે જો કોઈ વધુ મજબૂત બોર્ડ હશે તો એને એના યોગદાન મુજબ મોટો હિસ્સો મળશે. જેમ 1970 અને 1980ના દાયકામાં બનતું હતું એમ ત્યારે કમાણીનો મોટો હિસ્સો અન્ય કોઈ દેશ તરફ જતો હતો. એને ધ્યાનમાં લેતાં ભારતને એની ભૂમિકા મુજબ વધુ હિસ્સો મળવો જોઈએ.’
કેટલાક દેશો (ખાસ કરીને પાકિસ્તાન)ની આઇસીસીની કમાણીમાં વધુ હિસ્સો મેળવવાની ઘણા લાંબા સમયથી માગણી રહી છે. આ દેશોનું એવું કહેવું છે કે ક્રિકેટના ત્રણ મોટા બોર્ડ વચ્ચે કમાણીનો જે મોટા ભાગનો હિસ્સો વહેંચાઈ જાય છે એને લીધે એ ત્રણ દેશ સિવાયના દેશોમાં ક્રિકેટની રમતનો વિકાસ સીમિત થઈ જાય છે.