ચૅમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં દાઉદનું નામ કેમ? ભારતને `ધમકી’, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટને ઝેર ઓક્યું…
કરાચી/દુબઈઃ આગામી ફેબ્રુઆરીની વન-ડે ફૉર્મેટવાળી ચૅમ્પિયન્સ ટ્રોફી સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજવાનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નો મનસૂબો સફળ નથી જ થવાનો અને ભારતની સગવડ માટે આ ટૂર્નામેન્ટને પીસીબીએ હાઇબ્રિડ મૉડેલ પર લઈ જ જવી પડશે એવું લગભગ સ્પષ્ટ થઈ જતાં પાકિસ્તાનમાં કેટલાકે અસલિયત બતાવી દીધી છે. આ ટૂર્નામેન્ટ પરની ચર્ચામાં ભારતના દુશ્મન નંબર-વન અને મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઇબ્રાહિમનું નામ આડકતરી રીતે લેવાતું થયું છે. પાકિસ્તાનના એક ભૂતપૂર્વ કૅપ્ટને પીસીબીની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને ઝેર ઓક્યું છે.
2023નો એશિયા કપ પાકિસ્તાનમાં યોજાયો હતો, પરંતુ ભારત પોતાની મૅચો હાઇબ્રિડ મૉડેલ મુજબ શ્રીલંકામાં રમ્યું હતું. આ વખતે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પણ એ જ સ્થિતિ સર્જાઈ છે. ભારત પોતાના ખેલાડીઓની અસુરક્ષિતતાની ચિંતા બદલ તેમને પાકિસ્તાન નથી જ મોકલવાનું અને ભારત પોતાની મૅચો પાકિસ્તાન સિવાયના કોઈ દેશમાં રમવા તૈયાર છે. જોકે પીસીબીનો ગરાસ લૂંટાઈ રહ્યો છે, પરંતુ આઇસીસી સાથે સંકળાયેલા કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ પીસીબીએ ઘૂંટણિયા ટેકવ્યા પડ્યા છે અને હાઇબ્રિડ મૉડેલ માટે લગભગ તૈયાર થઈ ગયું છે.
બીસીસીઆઇએ પોતાના ખેલાડીઓને પાકિસ્તાન નહીં મોકલવામાં આવે એવું સ્પષ્ટ કરી દીધું ત્યાર પછી સોશિયલ મીડિયામાં ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ વિકેટકીપર રાશિદ લતીફે તો ભારત વિરુદ્ધના વલણમાં હદ વટાવી દીધી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ
રાશિદ લતીફનો જૂનો વીડિયો મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એવું બોલતો જોવા મળ્યો છે કે અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે તેના સંબંધો છે. એક રીતે લતીફે ભારતને દાઉદનો આડકતરો ઉલ્લેખ કરીને ભારતને ધમકી આપી છે.
લતીફે યૂટ્યૂબ પર પાકિસ્તાની ટૉક શો કૉટ બિહાઇન્ડ'માં દાઉદ ઇબ્રાહિમ સાથેના પોતાના નજીકના સંબંધોનો સંકેત આપ્યો છે. દાઉદ ઇબ્રાહિમ 1993ના મુંબઈમાંના બૉમ્બ ધમાકાઓના કેસમાં મુખ્ય આરોપી છે. એ ઘટનામાં 257 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,400થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટૉક શોના હોસ્ટ ડૉ. નૌમાન નિયાઝ સાથેની વાતચીતમાં લતીફે ભારતનું નામ લીધા વિના ભારતને આડકતરી ધમકી આપતા સૂરમાં કહ્યું,
તમે પોતાને શું સમજો છો. તમે કોની સાથે પંગો લઈ રહ્યા છો. હું ભાઈના ઘરની નજીક જ રહું છું.’
લતીફ કરાચીમાં રહે છે. એ જ શહેરમાં દાઉદ ઇબ્રાહિમ આઇએસઆઇ નામની જાસૂસી સંસ્થાના રક્ષણ હેઠળ છુપાયેલો છે.
અગાઉ ક્રિકેટના મૅચ-ફિક્સિંગમાં ઘણી વાર દાઉદ ઇબ્રાહિમની `ડી’ ગૅન્ગનું નામ ચર્ચામાં આવી ચૂક્યું છે.
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ ભારતના એક નંબરના દુશ્મન દાઉદ ઇબ્રાહિમનો વેવાઈ છે. 2006માં મિયાંદાદના પુત્ર જુનૈદની શાદી દાઉદની પુત્રી માહરુખ સાથે થઈ હતી.