લારાની કઈ ભવિષ્યવાણી સાચી પડી? રાશિદ ખાનના જ શબ્દોમાં જાણીએ…
ગ્રોઝ આઇલેટ: 2012માં અને 2016માં ટી-20માં વર્લ્ડ ચૅમ્પિયન બનનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે સુપર-એઇટ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ એ સાથે બદલ કૅરિબિયન લેજન્ડરી ક્રિકેટર્સ જરૂર નારાજ હશે, પરંતુ બ્રાયન લારા ખુશ તો ન કહી શકાય, પણ પાછો થોડા હકારાત્મક મૂડમાં તો આવી જ ગયો હશે. વાત એવી છે કે તેણે દોઢ મહિના પહેલાં અફઘાનિસ્તાન વિશે જે ભવિષ્યવાણી કરી હતી એ મંગળવારે સાચી પડી છે.
મે મહિનામાં લારાએ અફઘાનિસ્તાન ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચશે એવી સંભાવના બતાવી હતી ત્યારે ઘણાને નવાઈ લાગી હશે અને કેટલાક ચોંકી જ ગયા હશે. જોકે અફઘાનિસ્તાને મંગળવારે નવો ઇતિહાસ રચી દીધો. ટી-20 વર્લ્ડ કપમાં લાંબી સફર બાદ રાશિદ ખાન અને તેની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી. આ ટીમ સર્વોચ્ચ મંઝિલ તરફની દોટમાં ઘણી આગળ આવી ગઈ છે. બીજી રીતે કહીએ તો 20 ટીમમાંથી ટોચની ચાર ટીમમાં હવે અફઘાનિસ્તાન પણ છે. એણે મંગળવારે બંગલાદેશને ડકવર્થ/લુઇસ મેથડને આધારે આઠ રનથી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી અને એ સાથે ઑસ્ટ્રેલિયાને સ્પર્ધાની બહાર કરી દીધું હતું.
ગુરુવાર, 27મી જૂને અફઘાનિસ્તાનનો મુકાબલો સાઉથ આફ્રિકા સાથે અને ભારતનો મુકાબલો ઇંગ્લૅન્ડ સામે થશે.
મે મહિનામાં લારાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘વેસ્ટ ઇન્ડિઝ, ભારત અને ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી શકે એમ છે. સેમિના ચોથા સ્થાન માટે મારો દાવો એક ડાર્કહોર્સ ટીમ પર છે અને એ ચોથી ટીમ છે અફઘાનિસ્તાન. કયા ગ્રૂપમાં કઈ ટીમ છે એ મેં જોયું નથી, પરંતુ એટલું કહી શકું છું કે અફઘાનિસ્તાન ભૂતકાળમાં જેટલા પણ કપમાં રમ્યું છે એમાં આ ટીમ પ્રગતિની રાહ પર જ જોવા મળી હતી. એના પરથી હું કહું છું કે આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન પણ સેમિમાં જશે.’
આ પણ વાંચો : વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું
અફઘાનિસ્તાનના સુકાની રાશિદ ખાને (Rashid Khan) સેમિમાં સ્થાન પાક્કું કર્યા પછી કહ્યું, ‘અમે સેમિ ફાઇનલમાં પહોંચવાનું સપનું સેવ્યું હતું જે આજે સાકાર થયું છે. અમે ન્યૂ ઝીલૅન્ડને હરાવ્યું ત્યારથી અમને અમારા પર ભરોસો બેસતો ગયો હતો. માત્ર એક જ વ્યક્તિ (બ્રાયન લારા) છે જેણે ભવિષ્યવાણી કરી હતી કે અમે સેમિ ફાઇનલમાં પહોંચીશું. અમે તેમને સાચા પાડ્યા છે. અમે જ્યારે તેમને વેલકમ પાર્ટીમાં મળ્યા ત્યારે મેં તેમને કહ્યું હતું કે અમે તમારા ભરોસાને સાચો સાબિત કરીશું.’
રાશિદ ખાને એવું પણ કહ્યું કે ‘અફઘાનિસ્તાનમાં જરૂર જશનનો માહોલ હશે. અમારા માટે આ બહુ મોટી ઉપલબ્ધિ છે. અમે અન્ડર-19 સ્તર પર આવી સિદ્ધિ મેળવી હતી, પરંતુ આ સિનિયર સ્તર પર પહેલી વાર આટલા ઊંચા સ્તર સુધી પહોંચ્યા છીએ. અમારા દેશમાં જે ખુશીનો માહોલ હશે એ હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શક્તો. અમે દેશવાસીઓને આ આનંદ આપી શકીએ એ માટે અમે ગમે એમ કરીને સેમિ ફાઇનલમાં પહોંચવા માગતા હતા.’