નેપાલના બળાત્કારી ક્રિકેટરને આઠ વર્ષની જેલની સજા
કઠમંડુ: નેપાલના લેગ-સ્પિનર સંદીપ લમીછાનેને અધમ કૃત્ય બદલ છેવટે સજા મળી છે. 23 વર્ષના આ ક્રિકેટરને બળાત્કારના ગુના બદલ આઠ વર્ષની જેલની સજા થઈ છે તેમ જ ત્રણ લાખ રૂપિયા (ભારતીય ચલણ મુજબ 1,87,148 રૂપિયા)નો દંડ કરવામાં આવ્યો છે. એ ઉપરાંત, બળાત્કારનો ભોગ બનેલી છોકરીના પરિવારને બે લાખ રૂપિયા (ભારતીય ચલણમાં 1,24,765) ચૂકવવાનો આદેશ પણ અદાલતે લમીછાનેને આપ્યો છે.
છોકરીએ આક્ષેપ કર્યો હતો કે ગયા વર્ષે ઑગસ્ટમાં કઠમંડુની એક હોટેલના રૂમમાં લમીછાનેએ તેના પર રેપ કર્યો હતો. લમીછાનેની એ ઘટનાને પગલે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જાન્યુઆરીમાં સ્થાનિક અદાલતે તેને જામીન પર છોડ્યો હતો.
કઠમંડુની હાઈ કોર્ટે લમીછાનેને જામીન આપતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને રદબાતલ કરીને લમીછાનેને દેશ છોડીને જવાની કરી હતી અને બુધવારે જેલની સજાનો ચુકાદો આપ્યો હતો.
2018માં લમીછાને આઇપીએલમાં રમનારો નેપાલનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. ત્યારે તેને દિલ્હી ડેરડેવિલ્સે મેળવ્યો હતો. ફેબ્રુઆરીમાં સ્કૉટલૅન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓએ નેપાલ સામેની એક મૅચમાં ત્રણ વિકેટે સ્કૉટલૅન્ડનો પરાજય થયો ત્યાર બાદ નેપાલના તમામ પ્લેયરો સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ લમીછાને સાથે નહોતા મિલાવ્યા.
એક સમયે ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ, પાકિસ્તાન સુપર લીગ તેમ જ કૅરિબિયન લીગમાં પણ લમીછાનેની ખૂબ ડિમાન્ડ હતી. લમીછાને છેલ્લે ઇન્ટરનૅશનલ મૅચ 2023ના ઑગસ્ટમાં કેન્યા સામે રમ્યો હતો.