રણજી ટ્રોફીમાં બે દિવસમાં ત્રણ બોલરની હૅટ-ટ્રિકઃ છ ફૂટ ઊંચા ગુર્જપનીતની ચાર અને તેન્ડુલકરની ત્રણ વિકેટ

બેંગલૂરુઃ રણજી ટ્રોફી (Ranji trophy)માં શનિવારે એક જ ઇનિંગ્સમાં બે બોલરે હૅટ-ટ્રિક (Hat-Trick)લીધી હોવાનો વિક્રમ બન્યા બાદ રવિવારે ત્રીજા બોલરે પણ હૅટ-ટ્રિક લઈને તરખાટ મચાવી દીધો હતો.
આ ત્રીજો બોલર છે, તમિળનાડુનો છ ફૂટ ત્રણ ઇંચ ઊંચો લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ગુર્જપનીત સિંહ જેણે બેંગલૂરુમાં નાગાલૅન્ડ સામે હૅટ-ટ્રિક લેવા સહિત કુલ ચાર વિકેટ લીધી હતી. તમિળનાડુના પ્રથમ દાવના 3/512 ડિક્લેર્ડના જવાબમાં નાગાલૅન્ડનો સ્કોર 4/150 છે.
આપણ વાચો: વાત જરાય ખોટી નથી…પૅટ કમિન્સે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને રણજી ટ્રોફી રમતા કરી દીધા!
ટિન્સુકિયામાં શનિવારે રણજી મૅચમાં પ્રથમ દિવસે આસામ સામે સર્વિસીઝના પેસ બોલર મોહિત જાંગરા (4-2-5-3) અને સ્પિનર અર્જુન શર્મા (6.2-1-145-5)એ પ્રથમ દાવમાં હૅટ-ટ્રિક લીધી હતી. રણજી મૅચના કોઈ એક દાવમાં હરીફ ટીમના બે બોલરે હૅટ-ટ્રિક લીધી હોય એવું પહેલી જ વખત બન્યું છે.
સર્વિસીઝની ટીમે આસામને આઠ વિકેટે હરાવ્યું હતું. આ મૅચ કુલ માત્ર 90 ઓવરમાં પૂરી થઈ ગઈ હતી. કોઈ રણજી મૅચ 90 ઓવરમાં કમ્પ્લીટ થઈ હોય અને પરિણામ આવ્યું હોય એવું પહેલી જ વખત બન્યું છે.
આપણ વાચો: Back to basics: વિરાટ-રોહિત સહીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા આ 9 ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે
અન્ય મૅચોમાં શું બન્યું?
(1) શિમોગામાં કર્ણાટકે પ્રથમ દાવમાં 371 રન કર્યા હતા જેમાં કરુણ નાયરના અણનમ 174 રન હાઇએસ્ટ હતા. હરીફ ટીમ ગોવા વતી સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુને 100 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. અર્જુન લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર છે. બીજા પેસ બોલર વાસુકીએ ત્રણ વિકેટ લીધી હતી અને પછીથી ગોવાએ 28 રનમાં એક વિકેટ ગુમાવી હતી.
(2) શ્રીનગરમાં રાજસ્થાને 152 રન કર્યા બાદ જમ્મુ/કાશ્મીરે 282 રન કરીને 130 રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં રાજસ્થાને 41 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. એક તબક્કે જમ્મુ/કાશ્મીરના બોલર ઑકિબ નબીની બોલિંગ ઍનેલિસિસ 1.5-1-5-5 હતી.
(3) વિઝિયાનગરમમાં બરોડાના 363 રન સામે આંધ્રએ 43 રનમાં બે વિકેટ ગુમાવી હતી. (4) મુંબઈમાં વરસાદના વિઘ્ન વચ્ચે મુંબઈએ પહેલા દાવમાં આઠ વિકેટે 406 રન કર્યા છે જેમાં રહાણેના 159 રન સામેલ છે.
(5) રાજકોટમાં સૌરાષ્ટ્રએ પહેલા દાવમાં 260 રન કર્યા બાદ મધ્ય પ્રદેશે ચાર વિકેટે 195 રન કર્યા હતા. યશ દુબે 109 રને રમી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજાને 49 રનમાં વિકેટ નહોતી મળી.
બીજો સ્પિનર ધર્મેન્દ્રસિંહ જાડેજા આ મૅચમાં નથી રમી રહ્યો. (6) કોલકાતામાં બેંગાલના 279 રન સામે ગુજરાતે 107 રનમાં સાત વિકેટ ગુમાવી હતી. બેંગાલના સ્પિનર શાહબાઝ અહમદે ચાર અને પેસ બોલર મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી હતી.



