જાડેજા-જાડેજાની જોડી રાજકોટમાં શનિવારથી મચાવશે ધમાલ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

જાડેજા-જાડેજાની જોડી રાજકોટમાં શનિવારથી મચાવશે ધમાલ

રાજકોટઃ ગયા શનિવારે રાજકોટમાં કર્ણાટક સામેની રણજી ટ્રોફી સીઝનની પ્રથમ મૅચ ડ્રૉમાં જતાં સૌરાષ્ટ્રએ (સરસાઈ લેવા બદલ) ત્રણ પૉઇન્ટથી સંતોષ માની લેવો પડ્યો હતો, પરંતુ શનિવાર 25મી ઑક્ટોબરે અહીં શરૂ થનારી ચાર દિવસની બીજી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં સૌરાષ્ટ્ર જો મધ્ય પ્રદેશ સામે વિજય મેળવીને પૂરા છ પૉઇન્ટ મેળવશે તો નવાઈ નહીં લાગે અને એનું કારણ એ છે કે આ મૅચમાં એક સાથે બે જાડેજા મેદાન પર ઊતરવાના છે.

ટેસ્ટ ક્રિકેટનો વર્લ્ડ નંબર-વન અને વન-ડે જગતનો 10મા નંબરનો ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આ રણજી મૅચમાં રમવાનો છે. તેની હાજરી સૌરાષ્ટ્રના ખેલાડીઓ માટે પ્રોત્સાહક બનશે જ, તે મધ્ય પ્રદેશના ખેલાડીઓ માટે બૅટિંગ અને બોલિંગ બન્નેમાં ખતરો બની જશે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીના મુકાબલા શરૂ…

36 વર્ષનો રવીન્દ્ર જાડેજા લેફ્ટ-આર્મ સ્પિનર છે અને સૌરાષ્ટ્ર (Saurashtra)ની ટીમમાં બીજો લેફ્ટ-આર્મ સ્પિનર છે 35 વર્ષનો ધર્મેન્દ્રસિંહ જાડેજા. રવીન્દ્ર જાડેજાએ 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 360થી પણ વધુ મૅચમાં 600થી વધુ વિકેટ લીધી છે તેમ જ 7,000થી વધુ રન કર્યા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા 95 ફર્સ્ટ ક્લાસ મૅચમાં કુલ 408 વિકેટ લઈ ચૂક્યો છે. તેણે ગયા અઠવાડિયે કર્ણાટક સામેની મૅચમાં પ્રથમ દાવમાં 124 રનમાં સાત વિકેટ અને બીજા દાવમાં 79 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

શનિવારે શરૂ થનારી રણજી (Ranji) મૅચ પણ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાવાની છે. ગયા અઠવાડિયાની મૅચમાં અહીં કુલ 31 વિકેટ સ્પિનર્સે લીધી હતી અને હવે તો બે જાડેજા હલ્લો બોલાવશે એટલે એટલે મધ્ય પ્રદેશની શું હાલત થશે એ તો આવનારા દિવસો જ બતાવશે. ચેતેશ્વર પુજારાની નિવૃત્તિને પગલે સૌરાષ્ટ્રની બૅટિંગ પણ થોડી નબળી પડી છે, પણ રવીન્દ્ર જાડેજાના આગમનથી બૅટિંગ લાઇન-અપ મજબૂત થઈ છે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીઃ મુંબઈ આજે જીતી શકે…

ઉનડકટ વિરુદ્ધ પાટીદાર

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રનો સુકાની છે. મધ્ય પ્રદેશની ટીમનું સુકાન રજત પાટીદાર પાસે છે જેણે ગયા અઠવાડિયે પંજાબ સામે અણનમ 205 રન કર્યા હતા. પાટીદાર પાસે ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયર અને ઓપનર યશ દુબે પણ છે. જોકે સૌરાષ્ટ્રની ટીમ આ વખતે બૅટિંગમાં હાર્વિક દેસાઈ, અર્પિત વસાવડા અને પ્રેરક માંકડ પર ઘણો આધાર રાખશે.

શનિવારથી અન્ય મુકાબલા કોની વચ્ચે

શનિવારે શરૂ થનારી રણજીના બીજા રાઉન્ડમાં અન્ય મૅચો આ મુજબની છેઃ મુંબઈ વિરુદ્ધ છતીસગઢ, બરોડા વિરુદ્ધ આંધ્ર, ગુજરાત વિરુદ્ધ બેંગાલ, વિદર્ભ વિરુદ્ધ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિરુદ્ધ ચંડીગઢ.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button