રણજી ટ્રોફીમાં જયદેવ અને સિરાજના ચાર-ચાર વિકેટના તરખાટ…

ચંડીગઢ/હૈદરાબાદઃ સૌરાષ્ટ્ર (Saurashtra)ના કૅપ્ટન અને હાલાઈ લોહાણા સમાજના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ગુરુવારે ચાર દિવસની રણજી ટ્રોફી મૅચના પહેલા દિવસે ચંડીગઢ (Chandigarh)ની 44 રનમાં ચાર વિકેટ લઈને આ યજમાન ટીમને પહેલા દાવમાં માત્ર 136 રનમાં તંબુ ભેગી કરાવી દીધી હતી. બીજા બે પેસ બોલર ચેતન સાકરિયા તથા ચિરાગ જાનીએ બે-બે વિકેટ લીધી હતી. ચંડીગઢને 136 રન સુધી સીમિત રખાવ્યા બાદ સૌરાષ્ટ્રએ એક વિકેટે 167 રન કર્યા હતા. ઓપનર હાર્વિક દેસાઈ 80 રને અને જય ગોહિલ 61 રને રમી રહ્યો હતો.
હૈદરાબાદ વિના વિકેટે 56
હૈદરાબાદ (HYDERABAD)માં મોહમ્મદ સિરાજે તરખાટ મચાવ્યો હતો. હૈદરાબાદના આ મુખ્ય બોલરે 56 રનમાં ચાર વિકેટ મેળવી હતી. જોકે છત્તીસગઢની ટીમનો દાવ 283 રન સુધી લંબાયો હતો અને એમાં પ્રતીક યાદવનું 106 રનનું તથા વિકલ્પ તિવારીનું 94 રનનું યોગદાન હતું. રમતના અંત સુધીમાં હૈદરાબાદે વિના વિકેટે 56 રન કર્યા હતા.
ગુજરાતના સાત વિકેટે 267
અગરતલામાં ત્રિપુરા સામે ગુજરાતે કૅપ્ટન મનન હિંગરાજિયાના અણનમ 98 રન, જયમીત પટેલના 69 રન અને પ્રિયેશ પટેલના બાવન રનની મદદથી સાત વિકેટે 267 રન કર્યા હતા. ત્રિપુરાના પેસ બોલર મણિશંકર મુરાસિંહે 37 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
અન્ય ચાર મૅચમાં શું બન્યું?
સાલેમમાં તમિળનાડુ સામે બરોડાએ પ્રથમ દાવમાં પાંચ વિકેટે 247 રન કર્યા હતા અને નિનાદ રાઠવાના 66 રન બાદ સુકીર્ત પાન્ડે 73 રને તથા અતિત શેઠ 45 રને નૉટઆઉટ હતા. મોહાલીમાં કર્ણાટક સામે પંજાબે નવ વિકેટે 303 રન, રોહતકમાં હરિયાણા સામે બેન્ગાલે પાંચ વિકેટે 168 રન અને નાગપુરમાં ઉત્તર પ્રદેશના 237 રન બાદ વિદર્ભએ વિના વિકેટે 33 રન કર્યા હતા.



