ગુજરાત જીત્યું, પણ સૌરાષ્ટ્ર ઉપરાંત બરોડાની મૅચ પણ ડ્રૉમાં ગઈ…

નડિયાદઃ ગુજરાતે અહીં રણજી ટ્રોફીની સર્વિસીઝ સામેની મૅચમાં મંગળવારે અંતિમ દિવસે 118 રનનો લક્ષ્યાંક ચાર વિકેટના ભોગે મેળવીને છ પૉઇન્ટ મેળવ્યા હતા.
સ્પિન ઑલરાઉન્ડર વિશાલ જયસ્વાલ (કુલ આઠ વિકેટ, એક રનઆઉટ તથા એક કૅચ અને બીજા દાવમાં 31 રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
સર્વિસીઝની ટીમને બીજા દાવમાં માત્ર 125 રનમાં આઉટ કરાવવામાં વિશાલ (59 રનમાં છ વિકેટ)નું સૌથી મોટું યોગદાન હતું. બીજા લેફ્ટ-આર્મ સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ મૅચમાં કુલ નવ વિકેટ લીધી હતી.
દરમ્યાન, મંગલપુરમમાં સૌરાષ્ટ્રએ બીજા દાવમાં ચિરાગ જાનીના 152 રનની મદદથી 8/402ના સ્કોર પર દાવ ડિક્લેર કરીને કેરળને 330 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને કેરળ 3/154ના સ્કોર સાથે પરાજયથી બચી ગયું હતું અને મૅચ ડ્રૉ થઈ હતી. જોકે પ્રથમ દાવમાં સરસાઈ કેરળે લીધી હોવાથી એના ભાગે ત્રણ પૉઇન્ટ આવ્યા હતા અને સૌરાષ્ટ્રને એક પૉઇન્ટ મળ્યો હતો.
વડોદરામાં ઝારખંડ સામે બરોડાની મૅચ ડ્રૉમાં ગઈ હતી. ઝારખંડને સરસાઈ લેવા બદલ ત્રણ પૉઇન્ટ મળ્યા હતા, જ્યારે બરોડાને ભાગે એક જ પૉઇન્ટ આવ્યો હતો.



