રણજીમાં દિલ્હીની ટીમનો ફિયાસ્કોઃ આટલા વર્ષે પહેલી વાર જમ્મુ/કાશ્મીર સામે પરાજિત…

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં એક તરફ સોમવારે લાલ કિલ્લા નજીક જીવલેણ હુમલો કરનારાઓની કડી છેક કાશ્મીર સુધી હોવાની શંકા બદલ તપાસ થઈ રહી છે ત્યારે બીજી બાજુ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીની ટીમે રણજી ટ્રોફીના મુકાબલામાં મંગળવારના ચોથા દિવસે જમ્મુ/કાશ્મીર (J & K)ની ટીમ સામે 65 વર્ષમાં પહેલી વાર પરાજય જોવો પડ્યો હતો.
1960થી અત્યાર સુધીમાં દિલ્હી (Delhi) અને જમ્મુ/કાશ્મીર વચ્ચે 43 રણજી મૅચ રમાઈ છે. એમાંથી 37 મૅચમાં દિલ્હીની આઉટરાઇટ વિન જોવા મળી છે. બીજી રીતે કહીએ તો દિલ્હીને એના ગઢ (કિલ્લા)માં જ જમ્મુ/કાશ્મીરની ટીમે પરાજિત કરી છે. ખરેખર તો દિલ્હી સામે જમ્મુ/કાશ્મીરે પહેલી વખત વિજય મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે.
આયુષ બદોની (Ayush Badoni)ના સુકાનમાં દિલ્હીએ પ્રથમ દાવમાં 211 રન કર્યા બાદ પારસ ડોગરાની કૅપ્ટન્સીમાં જમ્મુ/કાશ્મીરે 310 રન કરીને 99 રનની સરસાઈ લીધી હતી. બીજા દાવમાં દિલ્હીની ટીમે 277 રન બનાવ્યા ત્યાર બાદ જમ્મુ/કાશ્મીરે બીજા દાવમાં ઓપનર કામરાન ઇકબાલના અણનમ 133 રનની મદદથી ત્રણ વિકેટે બનેલા 179 રનના સ્કોર સાથે લક્ષ્યાંક મેળવી લીધો હતો.

જમ્મુ/કાશ્મીરે સાત વખત રણજી વિજેતા બની ચૂકેલા દિલ્હી સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. એલીટ, ગ્રૂપ-ડીના પૉઇન્ટ્સ ટેબલમાં જમ્મુ/કાશ્મીર 14 પૉઇન્ટ સાથે બીજા નંબરે છે, જ્યારે દિલ્હી સાત પૉઇન્ટ સાથે છેક છઠ્ઠા સ્થાને છે અને હવે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સરણદીપ સિંહનું કોચિંગ મેળવતી દિલ્હીની ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી શકશે કેમ એમાં શંકા છે.
જમ્મુ/કાશ્મીરની ટીમને ખાસ કરીને 29 વર્ષના પેસ બોલર ઑકિબ નબીએ રણજીની વર્તમાન સીઝનમાં સફળતાઓ અપાવી છે. મંગળવારે તેને દિલ્હી સામેની મૅચ પછી મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. તેણે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી.
દિલ્હીની ટીમમાં કૅપ્ટન આયુષ બદોની ઉપરાંત બીજા જાણીતા ખેલાડીઓમાં યશ ધુલ, અનુજ રાવત, અર્પિત રાણા, ઋતિક શોકીન વગેરેનો સમાવેશ છે. આ ટીમની સિલેક્શનની નીતિ અને મૅચને લગતી વ્યૂહરચના ચર્ચાસ્પદ થઈ છે. બદોનીની કૅપ્ટન્સીની પણ ટીકા થઈ રહી છે. દિલ્હીના ક્રિકેટ ઍસોસિયેશનમાં જૂથવાદ હોવાની પણ ખૂબ ચર્ચા છે. આ બધા કારણો રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં દિલ્હીની ટીમના પતન માટે જવાબદાર હોવાનું મનાય છે.



