સિદ્ધેશ લાડની સીઝનમાં પાંચમી સેન્ચુરી

સૌરાષ્ટ્ર હાર્વિક દેસાઈની ડબલ સેન્ચુરિયનથી વિજયની લગોલગ, જય-અર્પિત સેન્ચુરી ચૂક્યા
મુંબઈઃ બાંદરા (પૂર્વ)માં શરદ પવાર ક્રિકેટ ઍકેડેમી બીકેસીના મેદાન પર મુંબઈએ શુક્રવારે દિલ્હી સામે ચાર દિવસીય રણજી ટ્રોફી (Ranji trophy) મૅચના બીજા દિવસે 45 રનની સરસાઈ લીધી હતી અને ટીમને સારી સ્થિતિમાં લાવવામાં સૌથી મોટું યોગદાન કૅપ્ટન સિદ્ધેશ લાડ (102 નૉટઆઉટ)નું હતું. વર્તમાન સીઝનમાં તેની આ પાંચમી સેન્ચુરી છે.
મુશીર ખાન (57 રન) અને સુવેદ પારકર (53 નૉટઆઉટ)નો પણ મુંબઈના 5/266ના સ્કોરમાં ફાળો હતો. દિલ્હીની ટીમ પ્રથમ દાવમાં 221 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ચંડીગઢમાં ચંડીગઢની ટીમ પ્રથમ દાવમાં 136 રને આઉટ થઈ ગયા બાદ સૌરાષ્ટ્રએ ઓપનર હાર્વિક દેસાઈ (200 અણનમ, 305 બૉલ, એક સિક્સર, એકવીસ ફોર)ની ડબલ સેન્ચુરીની મદદથી 3/453ના સ્કોર પર દાવ ડિક્લેર કરી દીધો હતો. એ પહેલાં, જય ગોહિલ 98 રને અને અર્પિત વસાવડા 96 રને વિકેટ ગુમાવી બેઠો હતો. બીજા દાવમાં ચંડીગઢના વિના વિકેટે 31 રન હતા અને સૌરાષ્ટ્ર 286 રનથી હજી આગળ હોવાને કારણે શનિવારે એક દાવથી આ મૅચ જીતી શકે.
અગરતલામાં ગુજરાતના 352 રન બાદ ત્રિપુરાની ટીમે ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા અને ગુજરાતની ટીમ હજી 144 રનથી આગળ હતી. સાલેમમાં બરોડાના 375 રનના જવાબમાં તમિળનાડુએ વિના વિકેટે 118 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો અમેરિકાની વર્લ્ડ કપ ટીમમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને સાઉથ આફ્રિકન મૂળના ખેલાડીઓ



