આઇપીએલની આતશબાજી પહેલાં રણજી ટ્રોફીએ રંગ રાખ્યો…
મુંબઈને જોરદાર કમબૅક પછી સ્ટાર ખેલાડીઓ ફાઇનલમાં ન પહોંચાડી શક્યાઃ કેરળ સામેની સેમિમાં ગુજરાતનો નાટ્યાત્મક સ્થિતિમાં પરાજય

મુંબઈ/અમદાવાદઃ સામાન્ય રીતે ક્રિકેટપ્રેમીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચોમાં અને 2008ની સાલ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું આગમન થયું ત્યારથી એની મૅચો જોવામાં કે એના પરિણામોમાં કે ખેલાડીઓના પર્ફોર્મન્સીસમાં રસ લેતા હોય છે અને રણજી ટ્રોફીના સ્કોર્સના ટચમાં બહુ ઓછા લોકો રહેતા હોય છે. જોકે આ વખતે માહોલ કંઈક જુદો જ જોવા મળ્યો. અચાનક જ રણજી ટ્રોફીની મૅચોએ જબરદસ્ત રોમાંચ જમાવ્યો (આઇપીએલ જેવો જ કહીએ તો પણ ચાલે) અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.
Also read : રણજીમાં 2024નું રનર-અપ વિદર્ભ ફરી ફાઇનલમાંઃ મુંબઈ વંચિત રહી ગયું
મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડા જેવી ગુજરાતીઓની લોકપ્રિય ટીમો આ વખતની રણજી ટ્રોફીમાં ક્વૉર્ટર ફાઇનલના પ્રવેશ સાથે નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી એટલે નહીં, પણ ઘણા દિગ્ગજ ખેલાડીઓ (બીસીસીઆઇની નવી આચારસંહિતાને લીધે) દેશની આ મુખ્ય વાર્ષિક ટૂર્નામેન્ટમાં રમવા આવ્યા એટલે પણ લોકો એની મૅચોમાં વધુ રસ લેતા થયા.
આ વખતની આઇપીએલ 21મી માર્ચે શરૂ થશે ત્યારે શરૂઆતથી જ બૅટર્સની આતશબાજી અને બોલર્સના તરખાટો જોવા મળશે. જોકે એને હજી મહિનાની વાર છે ત્યારે રણજી ટ્રોફીએ આ વખતે અભૂતપૂર્વ રોમાંચ જગાવ્યો. અગાઉ ક્યારેય નહોતું જોવા મળ્યું એવું આ વખતે રણજી ટ્રોફીની છ મહિનાની સીઝનમાં જોવા મળ્યું જેમાં દેશભરના અનેક સ્ટેડિયમોમાં મોટી સંખ્યામાં પ્રેક્ષકો પોતાના મનગમતા ખેલાડીઓને રમતા જોવા આવ્યા હતા.
બીસીસીઆઇનો સ્ટાર પ્લેયર્સ માટે કડક નિયમ
ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતનો 0-3થી સફાયો થયો અને પછી ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ભારતની 1-4થી કારમી હાર થઈ અને છેલ્લી બે સીઝનથી ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ આ બે શ્રેણીની પછડાટને પગલે આ વખતની ફાઇનલથી ભારત વંચિત રહી ગયું એટલે બીસીસીઆઇના મોવડીઓએ નવો નિયમ બનાવ્યો જેમાં તેમણે દેશના તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં રમવાની સૂચના આપી. આ સૂચનાને પગલે રોહિત શર્મા તથા યશસ્વી જયસ્વાલ મુંબઈ વતી ફરી રમવા આવ્યા. મુંબઈની ટીમ રણજીની ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતી અને આ વખતે પણ ટ્રોફી જીતવા માટે ફેવરિટ હતી. અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈની ટીમ રોહિત-યશસ્વીના પુનરાગમનથી તેમ જ શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર જેવા દિગ્ગજોથી ભરચક હતી અને ટીમમાં શમ્સ મુલાની, તનુષ કોટિયન, મોહિત અવસ્થી, હાર્દિક તમોરે, આયુષ મ્હાત્રે, આકાશ આનંદ, સિદ્ધેશ લાડ, રૉયસ્ટન ડાયસ વગેરે બીજા જાણીતા ખેલાડીઓ પણ હોવાથી આ ટીમ એટલી બધી વજનદાર બની ગઈ હતી કે કોઈ પણ હરીફ સામે જીતીને સ્પર્ધામાં આગળ વધવાની એનામાં ક્ષમતા હતી.
જમ્મુ-કાશ્મીરની ટીમે મુંબઈને આંચકો આપ્યો
જોકે પચીસમી જાન્યુઆરીએ વાનખેડે સ્ટેડિયમમાં જમ્મુ અને કાશ્મીર સામેના રોમાંચક મુકાબલામાં મુંબઈનો પાંચ વિકેટે પરાજય થયો એ સાથે એના વળતા પાણી શરૂ થઈ ગયા હતા. રોહિતે પછીથી ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝને લીધે રણજીમાં ક્ષણિક હાજરી આપ્યા બાદ વિદાય લેવી પડી અને પછી તો યશસ્વી ઈજા પામ્યો એટલે એ પણ ટીમમાંથી નીકળી ગયો હતો. શ્રેયસે પણ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ માટેની ટીમમાં સ્થાન મેળવ્યું એટલે એની પણ મુંબઈની ટીમમાંથી બાદબાકી થઈ ગઈ હતી. પરિણામે, સૌથી વધુ 42 વખત રણજી ટ્રોફીમાં ચૅમ્પિયન બનેલા મુંબઈની ટીમ વધુને વધુ નબળી પડી. જોકે એમાં બીજા ઘણા સિતારા મોજૂદ હતા જ. મેઘાલય સામેની આસાન જીત બાદ ક્વૉર્ટર ફાઇનલમાં પણ મુંબઈએ હરિયાણા સામે સહેલાઈથી જીત મેળવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. મુંબઈની ખરી કસોટી હવે થવાની હતી. 2024ના રનર-અપ બનેલા વિદર્ભએ મુંબઈ સામેના ગયા વર્ષના ફાઇનલના પરાજયનો આ વખતે સેમિમાં બદલો લેવાનો હતો અને એમાં એને છેવટે સફળતા મળી. ટૂંકમાં, કમબૅક કર્યા પછી પણ મુંબઈએ નિષ્ફળતા જોવી પડી.
શાર્દુલ, કોટિયન જેવા ઑલરાઉન્ડર તેમ જ સ્પિનર શમ્સ મુલાની જેવા સિતારાઓ શુક્રવાર, 21મી ફેબ્રુઆરીએ નાગપુરમાં મુંબઈને ફરી એકવાર ફાઇનલનો પ્રવેશ અપાવવામાં નિષ્ફળ ગયા અને 80 રનથી મુંબઈનો પરાજય થતાં વિદર્ભએ ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી જેમાં એનો મુકાબલો કેરળ સામે થશે.
કેરળ કી તો ચલ પડી
કેરળની પણ સ્ટોરી ખૂબ રસપ્રદ છે. રણજી ટ્રોફીમાં પોતાના લગભગ 75 વર્ષના ઇતિહાસમાં કેરળની ટીમ ક્યારેય ફાઇનલમાં નહોતી પહોંચી શકી, પણ આ વખતે 36 વર્ષની ઉંમરના સચિન બૅબી નામના ખેલાડીની કૅપ્ટન્સીમાં કેરળે ઇતિહાસ રચી નાખ્યો. કેરળનો લેફ્ટ-હૅન્ડ બૅટર સચિન બૅબી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની 99 મૅચમાં 14 સેન્ચુરી તથા 28 હાફ સેન્ચુરીની મદદથી 5,649 રન બનાવી ચૂક્યો છે. તેણે આ વખતની રણજીમાં બૅટિંગમાં સાધારણ પર્ફોર્મ કર્યું, પરંતુ તેના નેતૃત્વની વાહ-વાહ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે 12મી ફેબ્રુઆરીએ પુણેમાં જમ્મુ અને કાશ્મીર સામેની ડ્રૉમાં પરિણમેલી ક્વૉર્ટર ફાઇનલમાં કેરળની ટીમ પ્રથમ દાવના માત્ર એક રનના તફાવતને આધારે સેમિ ફાઇનલમાં પહોંચ્યું અને ગઈ કાલે ગુજરાત સામે માત્ર બે રનના ફરક બદલ એને ફાઇનલમાં ઐતિહાસિક પ્રવેશ મળી ગયો.
ગુજરાતને લીધે રણજી રોમાંચક બની, પણ…
ફાસ્ટ બોલર ચિંતન ગજાના સુકાનમાં ગુજરાતે ગઈ કાલે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેરળ સામે ફાઇનલના પ્રવેશનો હાથમાં આવી રહેલો કોળિયો ગુમાવી દીધો એ પહેલાં એના ખેલાડીઓ પ્રિયાંક પંચાલ (148 રન), આર્ય દેસાઈ (73 રન), જયમીત પટેલ (79 રન), સિદ્ધાર્થ દેસાઈ (30 રન) વગેરેએ જબરદસ્ત પર્ફોર્મ કરીને (કેરળને જોરદાર લડત આપીને) અનેક ક્રિકેટપ્રેમીઓ દિલ જીતી લીધા હતા. ગુજરાતના પૂછડિયા બૅટર્સે વધુ બે રન બનાવી લીધા હોત તો બુધવારે શરૂ થતી વિદર્ભ સામેની ફાઇનલમાં કેરળના સ્થાને ગુજરાતનું નામ હોત. જયમીત પટેલે જીવતદાન બાદ વિકેટ ગુમાવી, જ્યારે સિદ્ધાર્થ દેસાઈએ ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ)માં કૅચની અપીલમાંથી બચી ગયા બાદ એલબીડબ્લ્યૂમાં વિકેટ ગુમાવવી પડી હતી. છેલ્લે છેલ્લે અર્ઝાન નાગવાસવાલા તો ગજબ રીતે આઉટ થયો હતો. સ્પિનર આદિત્ય સરવટેના બૉલમાં અર્ઝાનના શૉટમાં બૉલ નજીકના ફીલ્ડરની હેલ્મેટને વાગ્યા બાદ કેરળના કૅપ્ટન સચિન બૅબી તરફ ગયો હતો અને તેણે કૅચ પકડી લેતાં ગુજરાત સ્પર્ધાની બહાર થઈ ગયું અને કેરળ પહેલી વખત રણજી ફાઇનલમાં પહોંચી ગયું.
Also read : ગોવામાંથી ગુજરાતના ત્રણ જણ મૅચ પર બેટિંગ લેતા પકડાયા
કોહલી, પંત, પંડ્યા બંધુઓ પણ નિષ્ફળ રહ્યા
વિરાટ કોહલી 12 વર્ષે ફરી રણજી ટ્રોફીમાં રમ્યો અને એમાં સરિયામ નિષ્ફળ રહ્યા બાદ ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં રમવાનું હોવાથી તેણે રણજીમાંથી તરત જ વિદાય લઈ લીધી. તેના આગમનને લીધે દિલ્હીના સ્ટેડિયમમાં હજારો લોકો પહેલી વાર રણજી ટ્રોફીની મૅચ જોવા આવ્યા હતા. જોકે રેલવે સામેની મૅચમાં તે ફક્ત છ રન બનાવ્યા બાદ હિમાંશુ સંગવાનના બૉલમાં ક્લીન બોલ્ડ થતાં કોહલીના હજારો ચાહકોએ નિરાશ થવું પડ્યું હતું. દિલ્હીનો જ રિષભ પંત પણ ફ્લૉપ ગયો અને દિલ્હીને રણજીમાં કંઈ મદદરૂપ ન થઈ શક્યો. દિગ્ગજોની જ વાત ચાલી રહી છે તો જણાવી દઈએ કે કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા બરોડાની ટીમને નૉકઆઉટ તબક્કામાં પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા. સૌરાષ્ટ્રની ટીમમાં કૅપ્ટન જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પુજારા જેવા જાણીતા મૅચ-વિનર્સ હોવા છતાં એ ટીમનો રથ ક્વૉર્ટર ફાઇનલમાં ગુજરાત સામેની હારને પગલે અટકી ગયો. સૌરાષ્ટ્રની ટીમ આગળ ન વધી એ નિરાશા વચ્ચે એના પીઢ બૅટર શેલ્ડન જૅક્સને શાનદાર ફર્સ્ટ-ક્લાસ કરીઅરને ગુડબાય કરી દીધી.