અમદાવાદના મનનને ગઈ સીઝનની પાંચ ઇનિંગ્સ ફળી, ગુજરાતની કૅપ્ટન્સી મળી

મુંબઈની ટીમનું સુકાન શાર્દુલને સોંપાયુંઃ ટીમમાં સૂર્યકુમાર નથી
અમદાવાદ/મુંબઈ: 27 વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન મનન અશોકકુમાર હિંગરાજિયાને રણજી ટ્રોફીની 2025-’26ની સીઝન માટેની ગુજરાત ટીમની કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. 2024-’25ની ગઈ સીઝનમાં ગુજરાતને સેમિ ફાઇનલ સુધી પહોંચાડવામાં ટીમના અન્ય કેટલાક ખેલાડીઓ ઉપરાંત મનન (Manan)નું પણ મોટું યોગદાન હતું.
મનન 24 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ત્રણ સેન્ચુરી અને સાત હાફ સેન્ચુરીની મદદથી 40.55ની સરેરાશે કુલ 1,378 રન કરી ચૂક્યો છે. મનને રણજી ટ્રોફીની ગઈ સીઝનમાં ખાસ કરીને પાંચ ઇનિંગ્સમાં બૅટિંગમાં જે પર્ફોર્મ કર્યું હતું એ તેને ફળ્યું છે.
મનનની આ પાંચ ઇનિંગ્સ ખૂબ સફળ હતી અને એમાં ગુજરાત (Gujarat)ની ટીમે વિજય મેળવ્યો હતોઃ (1) ઑક્ટોબર, 2024ઃ હૈદરાબાદ સામે 181 રન અને પચીસ રન, ગુજરાતનો 126 રનથી વિજય (2) ઑક્ટોબર 2024ઃ આંધ્ર સામે 48 રન, ગુજરાતનો એક વિકેટે વિજય (3) જાન્યુઆરી, 2025ઃ ઉત્તરાખંડ સામે 116 રન, ગુજરાતનો એક દાવથી વિજય (4) જાન્યુઆરી, 2025ઃ હિમાચલ સામે 45 રન, ગુજરાતનો નવ વિકેટે વિજય (5) ફેબ્રુઆરી, 2025ઃ સૌરાષ્ટ્ર સામે 83 રન, ગુજરાતનો એક દાવથી વિજય.
આ પણ વાંચો : મુંબઈ રણજી ટીમના કેપ્ટન પદેથી અજિંક્ય રહાણેનું રાજીનામું; કોણ બનશે નવો કેપ્ટન?
2024ની રણજી ટ્રોફીની દિલધડક સેમિ ફાઇનલમાં ગુજરાતનો કેરળ સામે પરાજય થયો હતો. એ મૅચમાં મનને 33 રન કર્યા હતા. હવે મનન ગુજરાતનો કૅપ્ટન છે અને 15મી ઑક્ટોબરથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની સીઝનની પ્રથમ મૅચ આસામ સામે રમાશે.
દરમ્યાન, મુંબઈની ટીમનું સુકાન શાર્દુલ ઠાકુરને સોંપવામાં આવ્યું છે. આ ટીમમાં ભૂતપૂર્વ સુકાની અજિંક્ય રહાણે છે, પરંતુ સૂર્યકુમાર યાદવ નથી. ઑસ્ટ્રેલિયામાં આ મહિને વન-ડે શ્રેણી બાદ ભારતની ટી-20 સિરીઝ પણ રમાવાની હોવાથી બની શકે કે એ શ્રેણી અગાઉ ટી-20ના કૅપ્ટન સૂર્યકુમાર યાદવને કોઈ ગંભીર ઈજા થાય તો ભારતની યોજના ખોરવાઈ જાય અને એવી સંભાવનાને કારણે જ સૂર્યાને હમણાં મુંબઈની ટીમમાં નહીં સમાવવામાં આવ્યો હોય.
આ પણ વાંચો : રોહિત શર્માનો જિગરી દોસ્ત ન બની શક્યો ટીમ ઇન્ડિયાનો સિલેક્ટર
ગુજરાતની રણજી ટીમઃ મનન હિંગરાજિયા (કૅપ્ટન), આર્ય દેસાઈ, અભિષેક દેસાઈ (વિકેટકીપર), ઉર્વિલ પટેલ (વિકેટકીપર), જયમીત પટેલ, હેમાંગ પટેલ, ઉમંગ કુમાર, પ્રિયેશ પટેલ, રવિ બિશ્નોઈ, સિદ્ધાર્થ દેસાઈ, અર્ઝાન નાગવાસવાલા, ચિંતન ગજા, વિશાલ જયસ્વાલ, ક્ષિતીજ પટેલ અને રિન્કેશ વાઘેલા.
મુંબઈની રણજી ટીમઃ શાર્દુલ ઠાકુર (કૅપ્ટન), આયુષ મ્હાત્રે, આકાશ આનંદ (વિકેટકીપર), અજિંક્ય રહાણે, સિદ્ધેશ લાડ, સરફરાઝ ખાન, શિવમ દુબે, શમ્સ મુલાની, તનુશ કોટિયન, તુષાર દેશપાંડે, સિલ્વેસ્ટર ડિસોઝા, હાર્દિક તમોરે (વિકેટકીપર), ઇરફાન ઉમેર, મુશીર ખાન, અખિલ હર્વાડકર અને રૉયસ્ટન ડાયસ.