સ્પોર્ટસ

રહાણે, શાર્દુલ, ડાયસે મુંબઈને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું…

સૌરાષ્ટ્ર સામે ગુજરાતનો અને તામિલનાડુ સામે વિદર્ભનો વિજય

કોલકાતાઃ કૅપ્ટન અજિંક્ય રહાણે (108 રન, 180 બૉલ, તેર ફોર)એ અહીં ઈડન ગાર્ડન્સમાં હરિયાણા સામેની રણજી ક્વૉર્ટર ફાઇનલના બીજા દાવમાં ફર્સ્ટ-ક્લાસ કરીઅરની 41મી સદી ફટકારીને વિજય અપાવ્યો હતો અને એ જીત સાથે મુંબઈ સેમિ ફાઇનલમાં પહોંચી ગયું હતું. જોકે આ વિજયમાં શાર્દુલ ઠાકુર (પ્રથમ દાવની છ વિકેટ બાદ બીજા દાવમાં ત્રણ વિકેટ)નું તેમ જ બીજા પેસ બોલર રૉયસ્ટન ડાયસ (બીજા દાવમાં પાંચ વિકેટ)નું પણ મહત્ત્વનું યોગદાન હતું.

17મી ફેબ્રુઆરીથી રમાનારી પાંચ દિવસની સેમિ ફાઇનલમાં મુંબઈનો મુકાબલો વિદર્ભ સામે થશે.
ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ પ્રથમ દાવમાં 315 રન બનાવ્યા એના જવાબમાં હરિયાણાએ 301 રન બનાવ્યા હતા. મુંબઈએ 14 રનની સરસાઈ લીધા પછી બીજા દાવમાં રહાણેના 108 રન ઉપરાંત સૂર્યકુમાર યાદવના 70 રનની મદદથી 339 રન બનાવ્યા હતા.

Also read : IND vs ENG 3rd ODI: ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફારો થઇ શકે છે; ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ…

હરિયાણાને જીતવા 354 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ અંકિત કુમારના સુકાનમાં હરિયાણાની ટીમ 201 રનમાં આઉટ થઈ જતાં મુંબઈનો 152 રનથી વિજય થયો હતો. ડાયસની પાંચ ઉપરાંત શાર્દુલે ત્રણ અને સ્પિનર તનુષ કોટિયને બે વિકેટ લીધી હતી. આ પરાજયને પગલે હરિયાણાના પેસ બોલર અંશુલ કંબોજનો કુલ પાંચ વિકેટનો પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો.

અન્ય એક ક્વૉર્ટર ફાઇનલમાં વિદર્ભનો તામિલનાડુ સામે 198 રનથી વિજય થયો હતો. ભારતીય ટીમમાં કમબૅક કરવા આતુર કરુણ નાયર આ મૅચનો હીરો હતો. તેણે પ્રથમ દાવમાં 122 રન બનાવીને જીતનો પાયો નાખ્યો હતો.

બીજી સેમિ ફાઇનલમાં ગુજરાતની ટીમ હરીફ ટીમની રાહ જોઈ રહી છે, કારણકે કેરળને ક્વૉર્ટર ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરે 399 રનનો લક્ષ્યાંક આપ્યો છે અને કેરળે 100 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ગુજરાત સામે સેમિમાં આ બેમાંથી કોઈ એક ટીમ આવી શકે.

દરમ્યાન રાજકોટમાં ગુજરાતે સૌરાષ્ટ્ર સામે એક ઇનિંગ્સ અને 98 રનથી વિજય મેળવ્યો હતો. સૌરાષ્ટ્રના 216 રનના જવાબમાં ગુજરાતે 511 રન બનાવ્યા હતા. બીજા દાવમાં સૌરાષ્ટ્રની ટીમ પ્રિયજીતસિંહ જાડેજાની ચાર અને અર્ઝાન નાગવાસવાલાની ત્રણ વિકેટને લીધે 197 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button