સ્પોર્ટસ

બે ટ્રિપલ સેન્ચુરી, ભાગીદારીનો વિક્રમ અને ચોક્કા-છગ્ગાની રમઝટઃ રણજી મૅચમાં રનનો ઢગલો

ગોવાની સ્નેહલ-કશ્યપની જોડી જયવર્દને-સંગકારાની વિક્રમી ભાગીદારી તોડવાથી માત્ર 19 રન માટે વંચિત

પોર્વોરિમ (ગોવા): ગોવાના સ્નેહલ કૌથંકર (314 અણનમ, 215 બૉલ, 45 ફોર, 4 સિક્સર) અને કશ્યપ બાકલે (300 અણનમ, 269 બૉલ, 39 ફોર, બે સિક્સર)ની જોડીએ અહીં ગુરુવારે રણજી ટ્રોફીની અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં વિક્રમોની હારમાળા ઊભી કરી હતી. તેમણે રનનો ઢગલો કરવાની સાથે અણનમ 606 રનની ભાગદારીનો નવો રેકૉર્ડ કર્યો હતો.
સ્નેહલ અને કશ્યપે રોમાંચક ત્રેવડી સદી ફટકારી હતી અને રેકૉર્ડ ભાગીદારી સાથે રણજી ટ્રોફીના 90 વર્ષના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું હતું. તેમની વચ્ચે ત્રીજી વિકેટ માટે 606 રનની અતૂટ ભાગીદારી થઈ હતી જે રણજી ટ્રોફીમાં સર્વોચ્ચ અને વિશ્વભરની પ્રથમ કક્ષાની ક્રિકેટમાં બીજા નંબરની ભાગીદારી છે. તેમણે મહારાષ્ટ્રના સ્વપ્નિલ સુગાળે અને અંકિત બાવણે વચ્ચેની 594 રનની ભાગીદારીનો અગાઉનો વિક્રમ તોડી નાખ્યો હતો. તેમણે આ 594 રન 2016માં દિલ્હી સામે બનાવ્યા હતા. બરોડાના વિજય હઝારે તથા ગુલ મોહમ્મદ વચ્ચેની 1946ની સાલની 577 રનની ભાગીદારી હવે ત્રીજા સ્થાને છે.

સ્નેહલ-કશ્યપની અણનમ 606 રનની પાર્ટનરશિપ ટેસ્ટ-ક્રિકેટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બીજા સ્થાને છે. શ્રીલંકાના માહેલા જયવર્દને અને કુમાર સંગકારા વચ્ચે 2006માં કોલંબોમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટના એક દાવમાં ત્રીજી વિકેટ માટે 624 રનની પાર્ટનરશિપ થઈ હતી જે સર્વોચ્ચ છે. જો સ્નેહલ-કશ્યપની જોડીને જો ગોવાના 32 વર્ષીય કૅપ્ટન દર્શન મિસાલે દાવ ડિક્લેર કરવાને બદલે બીજા 19 રન બનાવવા દીધા હોત તો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં જયવર્દને-સંગકારાના સ્થાને હવે પ્રથમ નામ સ્નેહલ-કશ્યપનું લખાયું હોત.

સ્નેહલ-કશ્યપની 606 રનની આ ભાગીદારીની મદદથી ગોવાએ ચાર દિવસીય રણજી મૅચમાં બીજા દિવસે પ્રથમ દાવ બે વિકેટે 727 રનના સ્કોર પર ડિક્લેર કર્યો હતો અને 643 રનની વિક્રમજનક સરસાઈ લીધી હતી.

રણજી ટ્રોફીની એક મૅચમાં એક જ ટીમના બે બૅટરે એક જ દાવમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હોય એવો આ બીજો કિસ્સો છે. 1989માં તામિલનાડુના ડબ્લ્યૂ.વી. રામન અને અર્જુન કૃપાલ સિંહે ગોવા સામેની મૅચમાં અનુક્રમે 313 રન અને 302 રન બનાવ્યા હતા.

રણજી ટ્રોફીમાં આ પ્લેટ લીગની મૅચ છે અને એમાં બુધવારના પ્રથમ દિવસે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કરીઅરમાં પહેલી વાર દાવમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી અને હવે ગુરુવારના બીજા દિવસે એકસાથે બે બૅટરે ટ્રિપલ સેન્ચુરી ફટકારીને ગોવાને રણજીના ઇતિહાસમાં અનેરું સ્થાન અપાવ્યું છે.

ગોવાનો 727/2નો સ્કોર રણજી ટ્રોફીના પ્લેટ ડિવિઝનમાં બીજા સ્થાને છે. 2018માં મેઘાલયે સિક્કિમ સામે બનાવેલા 826 રન આ ડિવિઝનમાં હાઇએસ્ટ છે.

અરુણાચલે પ્રથમ દાવમાં 84 રન બનાવ્યા હતા, જ્યારે બીજા દાવમાં 92 રનમાં ઑલઆઉટ થઈ જતાં ગોવાએ 551 રનથી યાદગાર વિજય મેળવ્યો હતો.

ગોવાની ઇનિંગ્સમાં 73 રન બનાવનાર ઓપનર સુયશ પ્રભુદેસાઈએ 121 રનના સ્કોર પર વિકેટ ગુમાવી ત્યાર પછી સ્નેહલ અને કશ્યપની જોડીએ પડકાર ઝીલી લીધો હતો અને અભૂતપૂર્વ ભાગીદારી કરી હતી. ગોવાના કૅપ્ટન દર્શન મિસાલે 727/2ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો અને સ્નેહલ-કશ્યપની અણનમ 606 રનની ભાગીદારી રેકૉર્ડ-બુકમાં લખાઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button