IPL 2024સ્પોર્ટસ

રાજસ્થાન જીતની હૅટ-ટ્રિક સાથે મોખરે, મુંબઈ ત્રીજી હાર સાથે તળિયે

હાર્દિકનો મુંબઈમાં પણ હુરિયો બોલાવાયો: મૅન ઑફ ધ મૅચ બૉલ્ટની પહેલી ત્રણેય વિકેટમાં રોહિત, ધીર, બ્રેવિસના ઝીરો

મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અમદાવાદ અને હૈદરાબાદમાં પરાજય જોયા પછી સોમવારે હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ હાર ખમવી પડી હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પછી હવે રાજસ્થાન રૉયલ્સે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીને બે પૉઇન્ટથી વંચિત રાખ્યા જેને કારણે મુંબઈની ટીમ 10 ટીમના પૉઇન્ટ્સ-ટેબલમાં -1.423ના રનરેટ સાથે છેલ્લા નંબર પર આવી ગઈ છે. બીજી બાજુ, સંજુ સૅમસનની રાજસ્થાનની ટીમે લાગલગાટ ત્રીજો વિજય મેળવીને હાઈએસ્ટ છ પૉઇન્ટ અને 1.249ના રનરેટ સાથે અવ્વલ સ્થાન મેળવ્યું છે.

મુંબઈએ આપેલો માત્ર 126 રનનો લક્ષ્યાંક રાજસ્થાને 15.3 ઓવરમાં 127/4ના સ્કોર સાથે મેળવીને આ સીઝનમાં સૌથી વધુ ત્રીજી જીત હાંસલ કરી હતી. કોલકાતા, ચેન્નઈ અને ગુજરાતના નામે બે-બે વિજય છે.

હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની ટીમ છોડ્યા બાદ પહેલી વાર વાનખેડેમાં મૅચ રમ્યો હતો જેમાં અનેક લોકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો જેને લીધે તેને ‘હોમ સ્વીટ હોમ’ જેવા મુંબઈમાં પણ લોકોનો કડવો અનુભવ થયો હતો.

રિયાન પરાગ (54 અણનમ, 39 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર) ફરી મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. તેની અને અશ્ર્વિન (16 રન, 16 બૉલ, એક ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 40 રનની ભાગીદારી થઈ હતી. 2023ની આઇપીએલના હીરો આકાશ મઢવાલે મુંબઈ વતી 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને આખી મુંબઈની ટીમમાં માત્ર મઢવાલનો પર્ફોર્મન્સ જ પ્રશંસનીય હતો. એક વિકેટ ક્વેના મફાકાને મળી હતી, જ્યારે બુમરાહને 26 રનમાં, કૉએટ્ઝીને 36 રનમાં અને ચાવલાને 18 રનમાં વિકેટ નહોતી મળી.

ખરેખર તો મુંબઈના બૅટર્સ જે રીતે સદંતર ફ્લૉપ ગયા એટલે પોતાના જ બોલર્સને ડિફેન્ડ કરી શકવા જેટલો સ્કોર નહોતા આપી શક્યા જેને લીધે રાજસ્થાનની ટીમ 27 બૉલ બાકી રાખીને વિજય મેળવવામાં સફળ થઈ હતી.

રાજસ્થાનનો યશસ્વી જયસ્વાલ (10) અને બટલર (13) ફરી સારું રમવામાં નિષ્ફળ રહ્યા હતા. સંજુ સૅમસને 12 રન બનાવ્યા હતા, શુભમ દુબે આઠ રને પરાગ સાથે અણનમ રહ્યો હતો.

એ પહેલાં, મુંબઈએ બૅટિંગ મળ્યા પછી નવ વિકેટે 125 રન બનાવ્યા હતા. જોરદાર ધબડકા સાથે મુંબઈના દાવની શરૂઆત થઈ હતી. પહેલી સાડાત્રણ ઓવરમાં એક પછી એક ચાર આંચકા લાગ્યા હતા. હજારો લોકો રોહિત શર્માની બૅટિંગ જોવા આવ્યા હતા, પરંતુ તે મુંબઈની પ્રથમ ઓવરમાં પોતાના પહેલા જ બૉલમાં વિકેટકીપર સૅમસનના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો. રોહિતની બૉડી લૅન્ગવેજ શરૂઆતથી જ નિરાશાજનક લાગતી હતી.

કિવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બૉલ્ટે પોતાના પાંચમા બૉલમાં રોહિત શર્મા (0)ને કૅચઆઉટ કર્યો અને રોહિત હજી તો ડગઆઉટમાં જઈને બેઠો હતો ત્યાં નમન ધીર (0)ને પછીના જ બૉલમાં બૉલ્ટે એલબીડબ્લ્યૂ કરીને મુંબઈની છાવણીમાં સોપો પાડી દીધો હતો. બૉલ્ટે આક્રમણ પોતાની બીજી ઓવરમાં ચાલુ જ રાખ્યું હતું. તેણે એ ઓવરના બીજા બૉલમાં ડેવાલ્ડ બ્રેવિસ (0)ને આઉટ કર્યો હતો. તેની પછીની ઓવરમાં બર્ગરે ઇશાન કિશન (16)ને સૅમસનના હાથમાં જ કૅચઆઉટ કરાવી દીધો હતો.
કેપ્ટન હાર્દિક પંડ્યાએ લોકોના વિરોધી વંટોળ વચ્ચે મેદાન પર આગમન કર્યું હતું અને આવતાવેંત ગુસ્સામાં ચોક્કા ફટકારી પોતાની છેલ્લા ઘણા અઠવાડિયાઓથી ટીકા કરી રહેલાઓને જવાબ આપવાની કોશિશ કરી હતી. તેણે છ ફોર સાથે 21 બોલમાં 34 રન બનાવ્યા હતા.

તિલક વર્માના બે સિક્સરથી બનેલા 32 રન ટીમમાં સેક્ધડ હાઈએસ્ટ હતા. ટિમ ડેવિડ (17) પણ લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો.

રાજસ્થાનની ચુસ્ત ફિલ્ડીંગ વચ્ચે એના બોલર ચહલ, બોલ્ટને ત્રણ ત્રણ તથા બર્ગરને બે, આવેશને એક વિકેટ મળી હતી.
ટોચના ત્રણ બૅટરને ઝીરોમાં પૅવિલિયન ભેગા કરવા બદલ બૉલ્ટને મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો.

મુંબઈની હવે છેક રવિવારે વાનખેડેમાં જ દિલ્હી કૅપિટલ્સ સામે (બપોરે 3.30 વાગ્યાથી) મૅચ છે. આજે (મંગળવારે) એકમાત્ર મૅચ બેન્ગલૂરુ અને લખનઊ વચ્ચે બેન્ગલૂરુમાં રમાશે. રાજસ્થાનનો આગામી મુકાબલો છઠ્ઠી એપ્રિલે બેન્ગલૂરુ સાથે જયપુરમાં થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…