
જયપુર: અહીં આઈપીએલના વધુ એક રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે બૅટિંગ પસંદ કર્યા પછી ચાર વિકેટે ૧૯૩ રન બનાવ્યા હતા અને પછી લખનઊ સુપર જાયન્ટ્સને ૨૦ ઓવરમાં ૧૭૩/૬ સુધી સીમિત રાખીને ૨૦ રનથી વિજય મેળવ્યો હતો.
રાજસ્થાનનો કેપ્ટન સંજુ સૅમસન (૮૨ અણનમ, બાવન બૉલ, છ સિક્સર, ત્રણ ફોર) ઘણા વખતે અસલ ફોર્મમાં રમતો જોવા મળ્યો હતો. તેની આ ઇનિંગ્સથી જ રાજસ્થાનની જીતનો પાયો નખાયો હતો. રિયાન પરાગ (૪૩ રન, ૨૯ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર) પણ બેનમૂન ઇનિંગ્સ રમ્યો હતો અને બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૯૩ રનની ભાગીદારી થઈ હતી. ધ્રુવ જુરેલ (૨૦ અણનમ, ૧૨ બૉલ, એક સિક્સર, એક ફોર)નું પણ મહત્વનું યોગદાન હતું. ૧૯૪ રનનો લક્ષ્યાંક મેળવવા આગળ વધી રહેલા લખનઊના બૅટર્સને રાજસ્થાનના પેસ બોલર સંદીપ શર્મા (૩-૦-૨૨-૧)એ છેલ્લે કાબૂમાં રાખ્યા હતા જેને લીધે તેઓ છેવટે ટાર્ગેટથી દૂર રહી ગયા હતા. પાછલા સ્પેલમાં બે ઓવરમાં ૧૧ રનના ખર્ચે કેએલ રાહુલ (૫૮ રન, ૪૪ બૉલ, બે સિક્સર, ચાર ફોર)ની વિકેટ લેનાર સંદીપની ૧૯મી ઓવરમાં (કટોકટીના સમયે) ફક્ત ૧૧ રન બન્યા હતા. ૨૦મી ઓવરમાં નિકોલસ પૂરન (૬૪ અણનમ, ૪૧ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને કૃણાલ પંડ્યા (પાંચ બૉલમાં અણનમ ત્રણ રન)ની જોડીએ જીતવા ૨૭ રન બનાવવાના હતા, પરંતુ આવેશ ખાનની એ ઓવરમાં માત્ર છ રન બની શક્યા હતા. દીપક હૂડા (૨૬ રન, ૧૩ બૉલ, બે સિક્સર, બે ફોર)ની ટૂંકી ફટકાબાજી પણ એળે ગઈ હતી.
રાજસ્થાનના બોલર્સમાં બૉલ્ટે સૌથી વધુ બે વિકેટ તેમ જ સંદીપ, અશ્વિન, બર્ગર, ચહલે એક-એક વિકેટ લીધી હતી. આવેશને વિકેટ નહોતી મળી, પરંતુ તે પણ ડેથ ઓવરનો હીરો સાબિત થતો હતો.
સૅમસનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
એ પહેલાં, રાજસ્થાનની ઇનિંગ્સમાં લખનઊના નવીન ઉલ હકે બે વિકેટ તેમ જ બિશ્નોઈ અને મોહસીને એક-એક વિકેટ લીધી હતી.
ભારતની ટેસ્ટ ટીમના બે સાથી ખેલાડીઓમાંથી યશસ્વી રાજસ્થાન, ૨૪ રન) સામે પડિક્કલ (લખનઊ, ઝીરો) નિષ્ફ્ળ રહ્યો હતો. તેને રાજસ્થાનના ટ્રેન્ટ બૉલ્ટે કલીન બોલ્ડ કર્યો હતો.