Rain Delays India-Australia Test Match Start

બ્રિસ્બેનમાં વરસાદે શરૂઆત બગાડી, મેઘરાજા કદાચ બાકીના ચારેય દિવસ હેરાન કરશે

ઑસ્ટ્રેલિયાના વિના વિકેટે 28 રનઃ રવિવારે સવારે 5.20 વાગ્યે મૅચ શરૂ થશે, જાડેજા અને આકાશ પ્લેઇંગ ઇલેવનમાં

બ્રિસ્બેનઃ અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફી સિરીઝની ત્રીજી ટેસ્ટ (સવારે 5.50 વાગ્યાથી) શરૂ થઈ હતી, પરંતુ મેઘરાજાએ મજા બગાડી હતી અને વરસાદના વિઘ્નો વચ્ચે લંચ સુધીમાં ઑસ્ટ્રેલિયાના વિના વિકેટે 28 રન બન્યા બાદ પછીથી રમત થઈ જ શકી નહોતી. બન્ને દેશ 1-1ની બરાબરીમાં છે. ભારતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. લંચના બે્રક વખતે ધોધમાર વરસાદ પડતો હોવાથી રમત ફરી નહીં થાય એવી સંભાવના હતી જે સાચી પડી હતી. હજી મૅચના ચારેય દિવસ (રવિવારથી બુધવાર) વરસાદ પડવાની આગાહી છે. રવિવારના બીજા દિવસે રમત સવારે 5.50ને બદલે 5.20 વાગ્યે શરૂ થશે અને આખા દિવસમાં (વરસાદના વિઘ્નો નહીં નડે તો) 98 ઓવરની રમત થશે.
આ મેદાનનો ટૂંકો ઇતિહાસ કહે છે કે જે ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હોય એવી છેલ્લા સાતમાંથી છ ટેસ્ટમાં આ ટૉસ-વિજેતા ટીમનો વિજય થયો છે.

યજમાન ટીમ પહેલા બે કલાકના સેશનમાં માત્ર 13.2 ઓવર રમી શકી હતી. જોકે ભારતીય બોલર્સ એમાં એક પણ વિકેટ નહોતા લઈ શક્યા. 13માંથી સાત ઓવર મેઈડન રહી હતી. ઉસ્માન ખ્વાજા 19 રન અને નૅથન મૅકસ્વીની ચાર રને રમી રહ્યો હતો. છઠ્ઠી ઓવરના ત્રીજા બૉલ બાદ ઝરમર…ઝરમર વરસાદ શરૂ થયો ત્યારે સ્કોર 5.3 ઓવરમાં વિના વિકેટે 19 રન હતો અને અડધા કલાક માટે રમત અટકી હતી. ત્યાર બાદ ભારતીયોએ જે 7.5 ઓવર બોલિંગ કરી હતી એમાં ફક્ત નવ રન બન્યા હતા. વરસાદ પડવાનો ચાલુ જ રહેતાં આયોજકોએ લંચ અને ટી-બે્રક, બન્ને ભેગા લઈ લેવાનું નક્કી કર્યું હતું. જોકે ત્યાર બાદ પણ રમત ફરી થવાની સંભાવના ન હોવાથી અમ્પાયર્સે શનિવારની રમત પર પડદો પાડી દીધો હતો.

ભારત વતી જસપ્રીત બુમરાહ (6-3-8-0), મોહમ્મદ સિરાજ (4-2-13-0) અને આકાશ દીપે (3.2-2-2-0) બોલિંગ કરી હતી.
ટેસ્ટમાં ભારતના જે સૌથી યાદગાર વિજય થયા છે એમાં બ્રિસ્બેન ખાતેની અગાઉની 2021ની ટેસ્ટ જેમાં ભારતીયો જીત્યા હતા એનો અચૂક સમાવેશ થાય છે. ત્યારે ભારતે અજિંક્ય રહાણેના સુકાનમાં ઑસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે પરાજિત કરીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ઑસ્ટ્રેલિયા આ સ્થળે છેલ્લી ચારમાંથી બે ટેસ્ટ હાર્યું છે.

Also read: અવ્વલ દરજ્જાના આ બોલરે ગેઇલના સિકસરના રેકૉર્ડની બરાબરી કરી!

ભારતે આ મૅચમાં ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. હર્ષિત રાણા અને વૉશિંગ્ટન સુંદરના સ્થાને અનુક્રમે આકાશ દીપ અને રવીન્દ્ર જાડેજાનો ટીમમાં સમાવેશ કરાયો છે.

બન્ને દેશની પ્લેઇંગ ઇલેવનઃ
ભારતઃ રોહિત શર્મા (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા નીતિશ કુમાર રેડ્ડી, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.
ઑસ્ટ્રેલિયાઃ ઉસમાન ખ્વાજા, નૅથન મૅક્સ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), પૅટ કમિન્સ (કૅપ્ટન), મિચલ સ્ટાર્ક, નૅથન લાયન અને જૉશ હેઝલવૂડ.

સંબંધિત લેખો

Back to top button