મહિલા વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલમાં વરસાદની સંભાવના, રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે

ગુવાહાટી/નવી મુંબઈઃ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ રહેલા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપમાં નૉકઆઉટ રાઉન્ડની પરાકાષ્ઠા આવી ગઈ છે, પરંતુ મેઘરાજા બાજી બગાડવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે, કારણકે દિવાળી પછી પણ વરસાદ પીછો નથી છોડતો અને સંભાવના એવી છે કે બુધવાર, 29મી ઑક્ટોબર અને ગુરુવાર, 30મી ઑક્ટોબરે (બન્ને સેમિ ફાઇનલના દિવસે) વરસાદ ફરી વિઘ્ન બની શકે. જોકે બન્ને સેમિ ફાઇનલ (Semi final) પૂરી રમાડી શકાય એ માટે આઇસીસીએ રિઝર્વ ડે રાખ્યા છે.
બુધવાર, 29મી ઑક્ટોબરે પ્રથમ સેમિ ફાઇનલ ગુવાહાટીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ગુરુવાર, 30મી ઑક્ટોબરે બીજી સેમિ ફાઇનલ નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે અને એમાં ભારત (India) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ટક્કર થશે. ભારતની મહિલા ક્રિકેટરો ક્યારેય કોઈ વર્લ્ડ કપ નથી જીતી શકી.
ગુવાહાટીમાં બુધવારે અને નવી મુંબઈમાં ગુરુવારે વરસાદને લીધે સેમિ ફાઇનલ ખોરવાઈ જાય તો એ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા રાખવામાં આવી છે એ ઉપરાંત રવિવાર, બીજી નવેમ્બરે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જ રમાનારી ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા એકમાત્ર ટીમ છે જે લીગ તબક્કામાં એકેય મૅચ નહોતી હારી અને 13 પૉઇન્ટ સાથે મોખરે હતી. રવિવારે બપોરે બીજા નંબરે ઇંગ્લૅન્ડ (11 પૉઇન્ટ), ત્રીજા નંબરે સાઉથ આફ્રિકા (10 પૉઇન્ટ) અને ચોથા નંબરે ભારત (છ પૉઇન્ટ) હતા. શ્રીલંકા (પાંચ), ન્યૂ ઝીલૅન્ડ (ચાર), પાકિસ્તાન (ત્રણ) અને બાંગ્લાદેશ (બે) સ્પર્ધાની બહાર થઈ ગયા છે.
આપણ વાંચો: ‘…નહીંતર બહાર બેસાડી દઈશ’ ગૌતમ ગંભીરે હર્ષિત રાણાને આવી ચેતવણી કેમ આપી?



