સિડનીમાં વરસાદ અને બૅડ લાઇટે મજા બગાડી : માત્ર 46 ઓવર થઈ
સિડની : એક તરફ 3 જાન્યુઆરીએ શરૂ થયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટમાં કેપ ટાઉનની પિચે પરચો બતાવ્યો ત્યાં બીજી બાજુ સિડનીમાં ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટમાં બીજા દિવસે મેઘરાજાએ મજા બગાડી હતી અને અધૂરામાં પૂરું બૅડ લાઇટને લીધે પણ રંગમાં ભંગ પડ્યો હતો.
ઑસ્ટ્રેલિયા ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ ધરાવે છે. છેલ્લી ટેસ્ટમાં પ્રથમ દિવસે પાકિસ્તાન 313 રને ઑલઆઉટ થઈ ગયા પછી ઑસ્ટ્રેલિયાએ વિના વિકેટે 6 રન બનાવ્યા હતા અને બીજા દિવસે ફક્ત 46 ઓવર શક્ય બની હતી અને રમતને અંતે યજમાન ટીમનો સ્કોર બે વિકેટે 116 રન હતો. કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમી રહેલા ડેવિડ વૉર્નરની ઇનિંગ્સ 68મા બૉલે પૂરી થઈ હતી. તેણે પોતાના 34મા રને આગા સલમાનના બૉલમાં બાબર આઝમને કૅચ આપી દીધો હતો. તેનો ઓપનિંગ પાર્ટનર ઉસમાન ખ્વાજા 47 રને આમેર જમાલના બૉલમાં વિકેટકીપર રિઝવાનને કૅચ આપી બેઠો હતો. માર્નસ લાબુશેન 23 રને અને સ્ટીવ સ્મિથ 6 રને રમી રહ્યો હતો. હજી ત્રણ દિવસ બાકી હોવાથી મૅચમાં કંઈ પણ પરિણામ સંભવ છે. એનું મુખ્ય કારણ એ છે કે બાકીના ત્રણેય દિવસે વરસાદ પડવાની આગાહી નથી.
સિડનીના મેદાન પર ફ્લડ લાઇટ્સ ઑન કરાઈ હતી એમ છતાં રમી શકાય એવી સ્થિતિ ન હોવાથી અમ્પાયરોએ રમત અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો.